પત્ની પિયર જતી રહેતા પિતાએ દીકરીને કૂવામાં ફેંકી
બનાસકાંઠા, પાલનપુર તાલુકાના ધાણધા ગામે સગા પિતાએ તેની કોમળ વયની ફૂલ જેવી દીકરીને ઉંડા કૂવામાં ફેંકી દીધાની ચકચારી ઘટના સામે આવી છે.
અમીરગઢના થળા ગામના પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની રિસાઇને તેના બહેન-બનેવીના ઘરે ધાણધા જતી રહી હતી. જ્યાં તેનો પતિ આવીને ‘મારી દીકરી આપી દે તેમ કહી ૧૨ માસની બાળકીને લઇ નીકળી ગયો હતો. બાદમાં જ આ જ દીકરીને સગા પિતાએ નજીકમાં એક કૂવામાં ફેંકી દેતા ચકચાર મચી છે. બનાવ બાદ હાલમાં બાળકીને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જે હાલમાં સારવાર હેઠળ છે.
અમીરગઢ તાલુકાના થળા ગામના રહેવાસી ઉર્મિલાબેન ચૌહાણ અને તેમના પતિ વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. જ્યારે પણ પતિ પત્નિ વચ્ચે ઝઘડો થાય ત્યારે ઊર્મિલાબેન રિસાઈને તેમના બહેન અને બનેવીના ઘરે જતા રહેતા હતા. આ દરમિયાન શુક્રવારે પતિ પત્ની વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો. જેથી ઉર્મિલાબેન તેમની ૧૨ માસની નાની દીકરીને લઇ તેમના બહેનના ઘરે ધાણધા મુકામે જતા રહ્યા હતા.
જ્યાં પતિ રમેશભાઇ ધર્માભાઇ ચૌહાણ ત્યાં આવી ચઢ્યો હતો. પતિએ ધાણધા આવીને કહ્યુ હતું કે, મને મારી દિકરી આપી દે. આ બાદ તે નાની બાળકીને લઇને જતો રહ્યો હતો. બાદમાં એકાદ કલાક પછી જાણવા મળ્યું હતું કે નરાધમ પિતાએ બાળકીને નજીકના કૂવામાં ફેંકી દીધી હતી.
આ ઘટનાની જાણ થતા જ ઊર્મિલાબેન અને તેના બહેન બનેવી ઘટના સ્થળે દોડી ગયા હતા. બાળકીને કૂવામાંથઈ બહાર કાઢીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જે હાલમાં સારવાર હેઠળ છે. આ બાબતે પાલનપુર તાલુકા પોલીસ મથકે ઉર્મિલાબેને તેમના પતિ રમેશભાઈ ધનાભાઇ ચૌહાણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.SSS