પત્ની રિસાઈને પિયર જતાં પોલીસકર્મીએ કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું
અમદાવાદ,પોલીસ કર્મચારીના આપઘાત કરવાના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે વધુ એક પોલીસ કર્મચારીએ આપઘાત કર્યાે હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ એફ ડિવિઝનના ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે રપ તારીખના રોજ ભાટ નજીક આવેલી કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યાે હતો. બે દિવસ બાદ પોલીસ કોન્સ્ટેબલની લાશ તલોજ કેનાલમાંથી મળી આવી છે. પત્ની રિસાઈને જતી રહેતા પોલીસ કર્મચારીએ કેનાલમાં કૂદીને મોતને વહાલું કર્યું છે.
નરોડા વિસ્તારમાં રહેતા અને છેલ્લા ઘઊા સમયથી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કિશોર ડાહ્યાભાઈએ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યાે છે. કિશોર ડાહ્યાભાઈ અને તેમની પત્ની વચ્ચે ઘણા સમયથી મન દુઃખ ચાલતું હતું. જેના કારણે તેણે આપઘાત કર્યાે હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. કિશોર ડાહ્યાભાઈની પત્ની ઘણા સમયથી પિયરમાં રિસાઈને બેઠી હતી.
પોલીસ કોન્સ્ટેબલ કિશોર ડાહ્યાભાઈએ મોડી રાતે તેમની પત્નીને ફોન કર્યાે હતો અને ઘરે આવી જવા માટેનું કહ્યું હતું. પત્નીએ ઘરે આવવાનો ઈનકાર કરી દેતા તેઓ ડ્રેસ પહેરીને કેનાલ પહોંચી ગયા હતા, જ્યાં તેમણે કેનાલમાં છલાંગ લગાવીને મોતને વહાલું કર્યું હતું. કિશોર ડાહ્યાભાઈ બાઈક લઈને ગયા હતા જ્યાં તે બાઈક તેમજ મોબાઈલ સાઈડમાં મૂકીને કેનાલમાં કૂદી પડ્યા હતા.
ફાયરબ્રિગ્રેડની ટીમે કિશોરની લાશને બહાર કાઢવા માટે શોધખોળ શરૂ કરી હતી પરંતુ ગઈ કાલે તેમની લાશ તલોજ પાસેથી મળી આવી છે. કિશોર ડાહ્યાભાઈના મોતથી પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે ત્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.