પત્ની શંકાને આધારે વાત પૂછતી હતી, શું મૉડલ મળવા આવે છે?
ઇન્દોર: ભૈયુજી મહારાજ આપઘાત કેસમાં મહારાજના ડ્રાઇવર અને સેવાદાર કૈલાશ પાટિલનું નિવેદલ લેવાયું હતું. કૈલાશે જિલ્લા કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે, ભૈયુજી મહારાજની ગાડીમાં જીપીએસ સિસ્ટમ લાગેલી હતી. જેના માધ્યમથી તેમની ગાડીનું લોકેશન મળતું હતું. તેમની પત્ની આયુષી મહારાજ સાથે રહેતા સેવાદારને વારે વારે એક જ સવાલ પૂછતી હતી કે તેમની (મહારાજ) સાથે કોણ કોણ છે? હવે આ કેસની આગામી સુનાવણી ૧૫મી માર્ચના રોજ થશે. આ દિવસે મહારાજના સેવાદાર શેખરને કોર્ટમાં બોલાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અત્યારસુધી બે ડઝનથી વધારે લોકોનાં નિવેદન લેવામાં આવી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટે છ મહિનામાં કેસ પતાવવાનો આદેશ કર્યો બાદ કેસની સુનાવણી ઝડપથી થઈ રહી છે.
જાેકે, આ સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે. મહારાજના ડ્રાઇવર રહે ચૂકેલા કૈલાશે કોર્ટમાં જણાવ્યું કે, પત્ની આયુષી અને તેમની દીકરી કુહૂ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ કારણે મહારાજ તણાવમાં રહેતા હતા. મહારાજે બનાવના ત્રણ મહિના પહેલા મને કુહૂની ગાડી ચલાવવા માટે પુણે મોકલી દીધો હતો. પાટિલે ઉલટ તપાસમાં પણ જણાવ્યું કે, સાનિયાસિંહ નામની એક અભિનેત્રી અને મૉડલ મહારાજને મળવા માટે ઇન્દોર આવતી હતી. તેના માટે મહારાજને ત્યાંથી ખબર ન પડે તે રીતે ભોજન જતું હતું.
પાટિલે કોર્ટને જણાવ્યું કે, મહારાષ્ટ્રની એક સંસ્થા પર લોકો સાથે કરોડોની છેતરપિંડીનો આક્ષેપ હતો. તેની કર્તાહર્તા વર્ષાએ મુલતાઈમાં સેંકડો એકર જમીન ખરીદી હતી. મહારાજના નજીકના લોકોએ આ સોદો કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભૈયુજી મહારાજે ૧૨ જૂન, ૨૦૧૮ના રોજ ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. મહારાજના ત્રણ સેવાદાર વિનાયક, પલક અને શરદની પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરણી માટે ધરપકડ કરી છે. ભૈયુજી મહારાજ ઉર્ફે ઉદયસિંહ દેશમુખ આધ્યાત્મિક ગુરુ હતા.
તેઓ ઇન્દોરમાં શ્રી સદગુરુ દત્ત ધાર્મિક અને પરમાર્થિક ટ્રસ્ટ ચલાવતા હતા. ઉદયસિંહ ભૈયુજી મહારાજ બન્યા તે પાછળ પણ અજીબ કહાની છે. એક સમયે તેઓ મીમક્રી એક્ટિંગ અને બ્રાન્ડેડ શર્ટોનું મોડલિંગ કરતા હતા. ભૈયુજી મહારાજને જે તે સમયે મધ્ય પ્રદેશ સરકારે મંત્રીનો દરજ્જાે આપ્યો હતો. જાેકે, તેમણે આ મંત્રી પદનો સ્વીકાર કર્યો ન હતો. અણ્ણા હજારેનું આંદોલન સમાપ્ત કરાવવા માટે કેન્દ્ર સરકારે તેમને દૂત બનાવીને મોકલ્યા હતા, બાદમાં અણ્ણા હજારેએ તેમના કહેવાથી ઉપવાસ છોડી દીધા હતા. આ ઘટના બાદ તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું.