પત્ની સાથે આડો સંબંધ ધરાવતો હોવાની શંકામાં યુવાનની હત્યા

પેટલાદ, પેટલાદ તાલુકાના ધર્મજ ગાના જાેગણી માતાના મંદિર પાસે આજે સવારના સુમારે પત્ની સાથે આડો સંબંધ ધરાવતો હોવાનો વહેમ રાખીને યુવાનની ગુપ્ત ભાગે લાતો મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાને રાઉન્ડ અપ કરીને કોરોના ટેસ્ટ કરાવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ધર્મજ ગામના નવાપરા, ભાવના પોલ્ટ્રીફાર્મ પાસે રહેતા મુકેશભાઈ છગનભાઈ ઠાકોરને એવો વહેમ ભરાઈ ગયો હતો કે, તેની પત્ની સાથે નજીકમાં જ રહેતો જયેશ ઉર્ફે ભોલો આડો સંબંધ ધરાવે છે અને બન્ને એકબીજાને વારેઘડીએ મળે છે. જેની અદાવત રાખીને મુકેશ વારેઘડીએ જયેશ ઉર્ફે ભોલા સાથે ઝઘડાઓ કરતો હતો.
આજે સવારના દશેક વાગ્યાના સુમારે ભાવના પોલ્ટ્રી ફાર્મ પાસે ફળિયાના નાકા ઉપર આવેલા જાેગણી માતાના મંદિર પાસેના રોડ ઉપર જયેશ ઉર્ફે ભોલા સાથે મુકેશે ઝઘડો કર્યો હતો અને બોલાચાલી કરીને ધક્કો મારતાં જયેશ (ઉ. વ. ૨૨)નીચે પડી ગયો હતો. એ સાથે જ ગુપ્ત ભાગે ત્રણથી ચાર જેટલી લાતો મારી દીધી હતી.
પોલ્ટ્રી ફાર્મમાં મરઘાને દાણ નાંખતો જયેશનો નાનો ભાઈ સાગર જયેશ અને મુકેશને ઝઘડતા જાેઈને ત્યાં ગયો એ પહેલા જ મુકેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બુમાબુમ કરતા જયેશના પિતા બુધાભાઈ ઠાકોર આવી પહોંચ્યા હતા અને રીક્ષામાં ધર્મજ સરકારી દવાખાને લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તપાસીને તેને મરણ ગયેલો જાહેર કર્યો હતો.
ઘટનાની જાણ પેટલાદ રૂરલ પોલીસને કરવામાં આવતા પીએસઆઈ એન. બી. ડોડિયા તથા સ્ટાફના જવાનો તુરંત જ ઘર્મજ પહોંચી ગયા હતા અને મૃતકની લાશનો કબ્જાે લઈને પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવા માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. પોલીસે બુધાભાઈની ફરિયાદને આધારે મુકેશભાઈ ઠાકોર વિરૂદ્ઘ હત્યાનો ગુનો દાખલ કરીને તેને રાઉન્ડ અપ કરી લીધો હતો અને આવતીકાલે કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ વિધિવત ધરપકડ કરવામાં આવશે.HS