પત્ની સામે જ પ્રેમિકા સાથે પતિ પ્રેમલીલા કરતો હતો
અમદાવાદ: શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ તેના પતિ સહિત સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલા આક્ષેપ કર્યો છે કે તેનો પતિ અવારનવાર તેને ત્રાસ આપતો હતો અને લગ્નના થોડા સમય બાદ તેને અન્ય એક સ્ત્રી સાથે આડાસંબંધ હતા. એટલું જ નહીં, તેણીની સામે જ તે પ્રેમિકા સાથે પ્રેમલીલા કરતો હતો. મહિલાના સાસરિયાઓ તેના દીકરાને કહેતા હતા કે, “બૈરાને હાથ નીચે રાખવાના, તો જ સીધા ચાલે. મહિલાનો પતિ ઘરજમાઈ બનીને રહીને ત્રાસ આપવા લાગ્યો હતો
મહિલાના પિતા પાસે બાઈક અને રિક્ષા લેવા માટે પૈસા પણ લીધા હતા. સમગ્ર બાબતને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના રાણીપ વિસ્તારમાં રહેતી ૩૧ વર્ષીય મહિલા એક ખાનગી મહિલા હૉસ્પિટલમાં નોકરી કરે છે. મહિલાએ એમ.એ સુધીનો અભ્યાસ કર્યો છે. મહિલાના લગ્ન વર્ષ ૨૦૧૩માં રાજસ્થાન ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ મહિલા તેના સાસરે રહેવા ગઈ હતી. જ્યાં તેના સાસરિયાઓએ એક મહિનો સારી રીતે રાખી હતી અને બાદમાં ઘરકામ બાબતે મહિલાનો વાંક કાઢી તેને કંઈ આવડતું નથી તેમ કહી ત્રાસ આપતા હતા. મહિલાનો પતિ પણ લગ્ન બાદ વારંવાર તેને કહેતો હતો કે, અમદાવાદ ખાતે તેના પિતાના ત્યાં રહેવા જઈએ.
તે ઘરનો મોટો જમાઈ હોવાથી મિલકત ભાગમાં આવે એ પણ આપણે સાચવવું પડશે. જેથી મહિલા લગ્નના સાતેક મહિના બાદ તેના પતિ સાથે અમદાવાદ ખાતે આવી હતી અને રાણીપ ખાતે તેના માતા-પિતા સાથે રહેવા લાગી હતી. વર્ષ ૨૦૧૪માં મહિલાના જેઠના લગ્ન હોવાથી તેના જેઠે ફોન કરીને મહિલાના માતાપિતા પાસેથી લગ્નના ખર્ચ માટે રૂપિયા માંગ્યા હતા. જેથી મહિલાએ ૩૦ હજાર રૂપિયા રોકડા લઈને તેની સાસુને આપ્યા હતા. ત્યારબાદ પણ સાસુ-સસરા અને જેઠ મહિલાના પતિને ફોન કરીને તેના વિરુદ્ધમાં ચઢામણી કરીને કહેતા કે “બૈરાને હાથ નીચે રાખવાના, તો જ સીધા ચાલે. તારા સસરાને કહેજે કે તેમની મિલકત તારા નામે કરાવી આપે.
બાદમાં મહિલાના પતિએ તેના પિતા પાસેથી રિક્ષા લઇ આપવાની વાત કરતાં મહિલાએ ના પાડી હતી. જે બદલ તેને માર પડ્યો હતો. જાેકે, દીકરીનું ઘર સાચવવા માટે મહિલાના પિતાએ જમાઈને ૫૦,૦૦૦ રોકડા રૂપિયાની મદદ કરી હતી. બાદમાં ૨૦૧૯માં મહિલાના પતિએ બાઈકની માગણી કરી હતી અને જાે બાઈક ન આપે તો તને અને તારી દીકરીને છોડીને જતો રહીશ તેવી ધમકી આપતાં મહિલાના પિતાએ જમાઈને બાઇક લેવા ૨૫,૦૦૦ રૂપિયા રોકડા આપ્યા હતા.