પત્રકાર એ પ્રજાની આંખ અને કાન છે : નડીયાદ જિલ્લા કલેક્ટર
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો દ્વારા આજે ખેડા જિલ્લાના નડીયાદ ખાતે રૂરલ મીડિયા વર્કશોપનુ આયોજન કરાયુ હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે ખેડા જિલ્લા કલેક્ટર શ્રી સુધીર પટેલ તથા પીઆઈબીના અપર મહાનિદેશક ધીરજ કાકડીયા ખાસ હાજર રહ્યા હતા.
જિલ્લા કલેક્ટર શ્રી સુધીર પટેલે પોતાના ઉદ્ઘાટન સંબોધનમાં પત્રકારોને જણાવ્યું હતું કે આજનો સમય ડિજિટલ પત્રકારત્વનો છે અને દરેક પત્રકારે આવનાર સમયના પડકારોને ઝીલવા તૈયાર રહેવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે પત્રકારો પ્રજાની આંખ અને કાન છે તેમજ સરકાર અને પ્રજા વચ્ચેનો સેતુ છે.
આ પ્રસંગે પીઆઈબીના અપર મહાનિદેશક ધીરજ કાકડિયાએ વર્કશોપમાં ઉપસ્થિત સર્વે પત્રકારોને આવકારતા પીઆઈબીની કામગીરી અને સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ‘વાર્તાલાપ’નો ઉદ્દેશ જિલ્લા સ્તરે કામ કરતા પત્રકારોને પીઆઈબીની કામગીરી અંગે માહિતગાર કરવાનો અને સરકારી યોજનાઓની માહિતી આપવાનો છે.
વરિષ્ઠ પત્રકાર અને લેખક ભવેન કચ્છીએ મીડિયા આચારસંહિતા વિશે બોલતાં જણાવ્યું હતું કે “આજના સમયમાં પત્રકારો સામે અનેક પ્રકારના પ્રલોભનો આવે છે અને ત્યાંથી જ મીડિયા આચારસંહિતાની શરૂઆત થાય છે. તેમણે ઉમેર્યું હતું કે પત્રકારે પહેલા સારા વાચક બનવું જોઈએ અને વાચક તરીકે પોતાને શું ગમે તેનું વિશ્લેષણ કરવું જોઈએ.
પત્રકારોએ ધ્યાન રાખવાની જરૂર છે કે એ વાચક અને દર્શક માટે કામ કરે છે. એમના માટે વાચકથી વિશેષ કોઈ ન હોઈ શકે. મીડિયા ક્યારેય કોઈ ધર્મ સમાજ કે પ્રજાની લાગણી દૂભાય તેવું કાર્ય ન કરવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે મીડિયા પાસે તાકાત છે, જો તેનો બેફામ ઉપયોગ થાય તો તે તારાજી સર્જી શકે પરંતુ જો તેનો યોગ્ય ઉપયોગ થાય તો તે ક્રાંતિ સર્જી શકે છે.
ગ્રામીણ પત્રકારત્વના માંધાતા શ્રી મણિભાઈ પટેલે તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતુ કે પત્રકારોએ ગ્રામીણ અને શહેરી પત્રકારત્વ વચ્ચેનો ભેદ સમજવો જોઈએ. શહેર અને ગામડાંમાં સમસ્યાઓ જુદા જુદા સ્વરૂપે છે. શહેરમાં હોસ્પિટલો આધુનિક છે પણ તેમના વ્યવસ્થાતંત્રની સમસ્યા છે, જ્યારે ગામડાંમાં હોસ્પિટલોનો જ અભાવ છે. આમ શહેર અને ગામડાના વિષયો એક છે, પણ સમસ્યાના પ્રારૂપ જુદા જુદા છે. પત્રકારોએ આ વિશે રીપોર્ટીંગ કરતાં ધ્યાન રાખું જોઈએ. ગામડામાં જઈ ત્યાંના લોકોની સમસ્યા અને તેમની માંગ સમજીને રીપોર્ટીંગ કરવું જોઈએ.