પદગ્રહણ કર્યા બાદ સૌ પ્રથમ ગાંધીઆશ્રમની મુલાકાત લેતાં રાજ્યપાલ
ગાંધીજી અહિંસાના પૂજારી અને માનવતાના અગ્રદૂત હતાં – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
ગુજરાતના રાજયપાલ પદે શપથ લીધા બાદ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ તેમના કાર્યભારની શરૂઆત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ એવા ગાંધી આશ્રમની મુલાકાતથી કરી હતી. રાજ્યપાલશ્રીએ ગાંધીઆશ્રમ ખાતે પૂ. બાપૂની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને ગાંધીજીને પ્રિય એવો રેટીંયો કાંતીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. તેમણે આશ્રમ ખાતે આશ્રમ ભજનાવલીનું ઝીણવટપૂર્વક નીરિક્ષણ કર્યું હતું. તેમણે આશ્રમમાં ગાંધીજી દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ ચીજવસ્તુઓ પણ રસપૂર્વક નિહાળી હતી.
તેમણે આશ્રમની મુલાકાત પોથીમાં નોંધ્યું કે, ગાંધીજી અહિંસાના પૂજારી અને માનવતાના અગ્રદૂત હતાં. મારું સૌભાગ્ય છે કે મને આ પવિત્ર ભૂમિ પર આવવાની તક મળી છે. શ્રીઆચાર્યજી એ કહ્યું કે, ગાંધીજીએ સત્ય, અહિંસા અને અપરિગ્રહના જે પદચિહ્નન અંકિત કર્યા છે તેનું અનુસરણ કરવું તે આજની નિતાંત આવશ્યકતા છે. ભારતીય સંસ્કૃતિના આ મૂલ્યો આજે એટલા જ શાશ્વત છે.
રાજ્યપાલશ્રી તરીકેની પોતાની પ્રાથમિકતા વિશે વાત કરતાં તેમણે કહ્યુ કે, પોતે પ્રકૃતિનું સંરક્ષણ, જળસંચય સાથે બેટી બચાવો- બેટી વધાવો જેવા અભિયાનો પણ રાજ્યના દરેક જિલ્લામાં પહોંચેઅને રાજ્યમાં સમરસતા તથા ભાઇચારો વધે તેવા પ્રયત્નો કરીશ. આ સિવાય ખેડૂત સમૃધ્ધ થાય, લોકોને સારું સ્વાસ્થ્ય મળે, ગાયનું સંરક્ષણ થાય તેવા પ્રયત્નો થાય તે માટેની પ્રતિબધ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.
રાજ્યપાલશ્રીએ મીડિયા સાથેની વાતચીતમાં ચંદ્રયાનની સફળતા માટેની વાંચ્છના કરી આધુનિક ભારતના નિર્માણ માટે આ એક ઐતિહાસિક કદમ બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજ્યપાલશ્રી ગાંધી આશ્રમ ખાતે આવી પહોંચતાં આશ્રમ ટ્રસ્ટના કાર્તિકેય સારાભાઇ, અમૃતભાઇ મોદી, જયેશભાઇ પટેલ, કલેક્ટરશ્રી ડો.વિક્રાંત પાંડેએ સૂતરની આંટી પહેરાવી સ્વાગત કર્યું હતું. તેમની આ મુલાકાતમાં તેમના લેડી ગવર્નર પણ જોડાયા હતાં.