પબજીની લતમાં માતાના ખાતાથી ૧૦ લાખ ઉડાવ્યા

મુંબઇ, મુંબઇમાં પબજી ગેમ રમવાને લઇને એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. મુંબઇમાં એક કિશોરને પબજી ગેમ રમવાની એવી લત લાગી કે તેણે ગેમ રમવાના ચક્કરમાં તેની માતાના બેંક એકાઉન્ટમાંથી ૧૦ લાખ રૂપિયા ઉડાવી દીધા. જ્યારે આ મામલે માતા-પિતાએ કિશોરને ઠપકો આપ્યો તો તે ઘર છોડીને ભાગી ગયો હતો.
મુંબઇ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કિશોરના પિતાએ એમઆઇડીસી સ્ટેશનમાં તેમનો પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે અપહરણનો કેસ નોંધી કિશોરની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન કિશોરના પિતાએ જણાવ્યું કે, તેમના પુત્રને છેલ્લા કેટલાક સમયથી પબજી ગેમ રમવાની લત લાગી હતી.
તે મોબાઈલ ફોન પર આખો દિવસ પબજી ગેમ રમતો હતો. પબજી ગેમ રમવાના ચક્કરમાં કિશોરે તેની માતાના બેંક એકાઉન્ટમાંથી ૧૦ લાખ રૂપિયા પબજી ગેમ પાછળ ઉડાવી દીધા હતા. આ વિશે જાણ થતાં જ્યારે માતા-પિતાએ કિશોરને ઠપકો આપ્યો તો તે ઘર છોડીને જતો રહ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘરથી ભાગેલો કિશોર ગુરુવાર બપોરે અંધેરીમાં (પૂર્વ) મહાકાળી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ તેને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.SSS