પબજી ગેમ પર પ્રતિબંધ મુકવા સરકારની વિચારણા

નવી દિલ્હી, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશના આધારે ભારત સરકાર પબજી ગેમ પર પ્રતિબંધ મુકવાની વિચારણા કરી રહી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સાયબર તેમજ ઈ સિક્યુરિટીના ડાયરેક્ટર તથા વૈજ્ઞાનિક વી કે ત્રીવેદીએ કોર્ટમાં આ માટે પિટિશન કરનારને પત્ર લખીને જાણકારી આપી છે.
પિટિશન કરનાર હાઈકોર્ટના વકીલે માંગણી કરી હતી કે, કોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપીને આ ગેમ પર પ્રતિબંધ મુકાવે.વકીલનુ કહેવુ હતુ કે, આ એવી ગેમ છે જેની બાળકોને લત લાગી જા યછે. બાળકો કલાકો સુધી આ ગેમ રમ્યા કરે છે અને તેમનો શારીરિક અને માનસિક વિકાસ ધીમો થઈ જાય છે.બાળકો રોજ ચાર થી પાંચ કલાક આ ગેમ રમતા હોય છે.
પિટિશન કરનારનુ એમ પણ કહેવુ હતુ કે, ગેમ રમવાના કારણે બાળકો સામાજીક રીતે પણ ઓછા સક્રિય બની રહ્યા છે.ગેમ રમવાના કારણે હિંસાની પ્રવૃત્તિ પણ વધે છે.ગેમ રમનારા બાળકો પોતાની જાતને ગેમના પાત્ર તરીકે જોવા માંડે છે અને તેની સાથે ઈમોશનલી કનેક્ટ થઈ જાય છે.ગેમમાં પાત્રની મોત થતા બાળકોને આઘાત લાગતો હોય તેવા કિસ્સા પણ બની રહ્યા છે. એ પછી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આ પિટિશન પર વિચારણા કરવા માટે આદેશ આપ્યો હતો.