પબજી પર પ્રતિબંધ મુકવામાં આવે, સંસદમાં પણ ઉઠી માંગ
નવી દિલ્હી, ટીનએજર્સમાં ભારે ક્રેઝ બની ચુકેલી પબજી ગેમ પર પ્રતિબંધ મુકવાની માંગણી સંસદમાં ગૂંજી ઉઠી હતી. આજે સંસદમાં કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના કન્યાકુમારીા સાંસદ એચ વસંત કુમારે આ માંગણી મુકીને કહ્યુ હતુ કે, હું સરકારને બ્લુ વ્હેલ અને પબજી જેવી ગેમ પર પ્રતિબંધ મુકવા માટે માંગણી કરુ છું.
સાંસદે કહ્યુ હતુ કે, દુનિયાના ઘણા દેશોમાં આ ગેમ બેન કરી દેવામાં આવી છે. હું સરકારને અપીલ કરુ છું કે આ બાબત પર ધ્યાન આપે. આ ગેમના કારણે બાળકોનુ વલણ આક્રમક બની રહ્યુ છે અને તેમના ભણતર પર પણ અસર થઈ રહી છે. આ પ્રકારની ગેમથી બાળકોને તો કોઈ ફાયદો થઈ રહ્યો જ નથી. તેમના દિમાગ પર અલગ જ પ્રકારનુ પ્રેશર આવી રહ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, આ પ્રકારની ઓનલાઈન ગેમ બાળકોની માનસિક સ્થિતિ પર અસર પાડે છે. જેનાથી ભવિષ્યમાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે સ્પીકરે તેમને ટોકીને કહ્યુ હતુ કે, હવે આ વાત બે મિનિટમાં પુરી કરો.