પબજી રમવાની ના પાડતાં પિતાની ગનથી ગોળી મારી આત્મહત્યા કરી
ચંડીગઢ, પંજાબના જાલંધર જિલ્લામાં એક સનસનીખેજ ઘટના ઘટી છે. જલંધર શહેરના બસ્તી શેખ વિસ્તારમાં આવતી એક બજારમાં એક વિદ્યાર્થીએ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર તેણે પોતાના પિતાની જ ગનથી ગોળી મારી લીધી છે. મૃતકની ઓળ મંથન શર્મા તરીકે થઈ છે. તેના પિતાનું નામ ચંદ્રશેખર શર્મા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર મંથન ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો અને પબજીના રવાડે ચડી ગયો હતો. મૃતક યુવાનના પિતા દવાના વેપારી છે અને સંઘના કાર્યકર્તા છે. ઘટનાની જાણ થતાં પોલીસ શર્મા પરિવારના નિવાસસ્થાને પહોંચી ગઈ છે.
મંથન શર્માના પિતાએ જણાવ્યું કે તેણે તેમની લાયસન્સ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. તેમણે જણાવ્યું હતું કે દીકરાનો જીવ ચાઈનીઝ એપ અને બાળકોને ઉંધા રવાડે ચડાવનાર ગેમે લીધી છે. મંથન બીબીએનો અભ્યાસ કરી રહ્યો હતો. તે કાયમ પબજી રમ્યા કરતો હતો. પિતાએ ટોક્યો તો તેણે આત્મહત્યા કરી લીધી. મંથને આત્મહત્યા કરતાં પહેલા એક સુસાઈડ નોટ લખી છે. એક કાગળમાં તેણે ચાર શબ્દો લખ્યા ‘મે બહુત બુરા હું’ પોલીસે મંથન શર્માના મૃતદેહના પોસ્ટમોર્ટમની વિધિ આરંભી અને કેસ ફાઈલ કર્યાે.