પરંપરાગત ગરબાની જાળવણી માટેના કાર્યક્રમ યોજાયો
પરંપરાગત ગરબાની જાળવણી માટેના કાર્યક્રમમાં હાજરી આપતા ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી લીલાબહેન અંકોલીયા
મહિલા સુરક્ષા માટે બનેલી અમદાવાદ પોલીસની ‘શી’ ટીમની પણ ઉપસ્થિતિ.
નવરાત્રિમાં લોકો ગરબા રમીને માતાજીની આરાધના કરે છે, પણ હવે ગરબાનુ સ્થાન ફિલ્મીગીતો લેવા લાગ્યા છે ત્યારે અમદાવાદમાં બોડકદેવના વૃંદાવન પાર્ટી પ્લોટમાં પરંપરાગત ગરબાની જાળવણી માટે પ્રિ- નવરાત્રી કાર્યક્રમ યોજાયો હતો. વામા ક્લબે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ૧૩૦૧ બહેનો માથા પર ગરબો અને હાથમાં દીપ લઈને પારંપરિક પોશાકમાં ઘૂમી હતી.
ગરબાની સંસ્કૃતિને જાળવવાના આ વિશેષ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી લીલાબહેન અંકોલીયાએ ઉપસ્થિત રહી ગરબા આયોજકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે આ અવસરે શહેરનાં મહિલા અગ્રણીઓ સાથે વિચાર-વિમર્શ પણ કર્યો હતો. અમદાવાદ પોલીસે મહિલાઓની સુરક્ષા માટે બનાવેલી ‘શી’ ટીમે પણ અહીં હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ‘શી’ ટીમ માત્ર પોલીસકર્મીઓની બનેલી છે. શ્રીમતી લીલાબહેને આ ટીમની વિસ્તૃત વિગતો મેળવી તેમના કાર્યને બિરદાવ્યું હતું.
આ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.