પરવેઝ મુશર્રફના રાજદ્રોહ કેસમાં ટુંકમાં ફેંસલો કરાશે
ઇસ્લામાબાદ, પાકિસ્તાનની ખાસ અદાલતે સાફ શબ્દોમાં કહ્યુ છે કે પૂર્વ લશ્કરી પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફની સામે રાજદ્રોહના કેસમાં ૨૮મી નવેમ્બરના દિવસે ચુકાદો જાહેર કરવામાં આવનાર છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝની સરકારે વર્ષ ૨૦૧૩માં સેનાના પૂર્વ પ્રમુખ મુશર્ફની સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવમાં આવ્યો હતો. મુશર્રફ પર ત્રણ નવેમ્બર ૨૦૦૭ના દિવસે ઇમરજન્સી લાગુ કરવાનો તેમના પર આરોપ મુકવામાં આવ્યો હતો. જસ્ટીસ વકાર અહેમદ સેઠના નેતૃત્વવાળી ત્રણ સભ્યોની બેંચે આ મામલામાં સુનાવણી હાથ ધરી હતી. પાકિસ્તાની અખબારના કહેવા મુજબ મંગળવારના દિવસે ચુકાદો અનામત રાખવામા આવ્યો હતો.
હવે ૨૮મી નવેમ્બરના દિવસે ચુકાદો જાહેર કરવામાં આવનાર છે. કોર્ટે ચુકાદો અનામત રાખ્યો ત્યારે મુશર્રફના વકીલને ૨૬મી નવેમ્બર સુધી અંતિમ દલીલો કરવા માટે કહ્યુ હતુ. એમ કહેવામાં આવે છે કે મુશર્રફ સંયુક્ત અરબ અમિરાતમાં રહે છે. પ્રાપ્ત માહિતી મુજબ પૂર્વ પાકિસ્તાની પ્રમુખને મોતની સજાનો સામનો કરવો પડી શકે છે. ૭૬ વર્ષીય પરવેઝની હાલત કફોડી બનેલી છે. મુશર્રફે પાંચ આરોપમાં દોષિત નહી હોવાનો દાવો કર્યો છે. મુશર્રફ ૨૦૧૬માં દુબંઇ જતા રહ્યા હતા. ત્યારબાદ સુનાવણી રોકાઇ ગઇ હતી. કોર્ટે ચુકાદો અનામત રાખવાના ગાળા દરમિયાન મુશર્રફના વકીલને કેટલીક સૂચના આપી હતી. મુશર્રફ પર ૩૧મી માર્ચ ૨૦૧૪ના દિવસે મામલામાં આરોપ નક્કી કરવામાં આવ્યા હતા. મુશર્રફને પાંચ આરોપમાં દોષિત નહીં હોવાની દલીલ અપાયા બાદ કઈ સજા થાય છે તેને લઇને ચર્ચા ચાલી રહી છે. મુશર્રફને ૨૦૧૬માં દુબઈ ફરાર થયા બાદ ભાગેડુ જાહેર કરાયા હતા.