પરિક્રમા પૂર્ણ થતા જ શ્રધ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ અપાયો
(પ્રતિનિધિ) અમદાવાદ: ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે નીકળશે નહિ. મંદિર પરિસરમાં જ ભગવાન તેમના ભક્તોને દર્શન આપનાર છે ત્યારે ભગવાનના દર્શનાર્થે સવારથી જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા શ્રધ્ધાળુઓ શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટે નિયત સંખ્યામાં એક પછી એક શ્રધ્ધાળુઓ ભક્તોને પ્રવેશ આપવામાં આવતો હતો ખાસ તો કોરોનાના કાળમાં સંક્રમણ ફેલાય નહી તે માટે તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહયા હતા શ્રધ્ધાળુઓને સોશિયલ ડીસ્ટન્સીંગ સાથે ભગવાનના રથના દર્શન કરવા દેવામાં આવતા હતા.
શ્રધ્ધાળુઓને કોઈપણ જાતની અગવડ પડે નહી તે માટે મંદિર પ્રશાસનની સાથે પોલીસ જવાનો પણ મદદ કરતા હતા. ત્રણેય રથમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની પ્રતિમાને બિરાજમાન કરવામાં આવી હતી. પહિંદવિધિ પછી ભગવાનને રથમાં બિરાજમાન કરાય છે મંદિરની બહાર ભજન મંડળીઓ સતત ભગવાનના ગુણગાન ગાઈ રહી છે ભજન મંડળીઓ ભગવાનના ભજનો ગાઈને શ્રધ્ધા વ્યકત કરી હતી તો મંદિરમાં ભગવાનના દર્શન માટે આવતા શ્રધ્ધાળુઓ પણ જયધોષ બોલાવતા હતા જાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના રથોએ મંદિર પરિસરની પ્રદક્ષિણા કર્યા પછી ભક્તો- શ્રધ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવતો હતો. દર વર્ષે ભગવાન ભક્તોને દર્શન આપવા સામેથી આવે છે પરંતુ આ વખતે ભક્તો સામે ચાલીને શ્રધ્ધાપૂર્વક ભગવાનના દર્શન માટે વહેલી સવારથી જ મંદિર ખાતે આવી પહોંચ્યા હતાં.