પરિણિતાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર ત્રણ ફરાર
રાજકોટ: રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના ચોરડી ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બનાવમાં ત્રણ શખ્સો દ્વારા શ્રમિક પરિવાર પર જીવલેણ હુમલો કરી પરિણીતાનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેમજ ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ દાખલ થવા પામી છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગોંડલ તાલુકામાં અવારનવાર દુષ્કર્મ તેમજ પોક્સો ની કલમ હેઠળ ગુના નોંધાતા રહેતા હોય છે.
ત્યારે વધુ એક વખત ગોંડલ તાલુકા પોલીસ મથકમાં અપહરણ, દુષ્કર્મ, જીવલેણ હુમલો કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ તાલુકાના ચોરડી ગામે રહેતા શ્રમિક પરિવાર પર હિંમત ચારોલીયા, વિજય માથાસુરીયા તેમજ અબલો ચારોલીયા નામના ત્રણ જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં પરિણીતાનું બુલેટમાં અપહરણ કરી રતનપર પાસે પ્રથમ હિંમત ચારોલીયા દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
હિંમત ચારોલીયા બાદ પણ અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ પરિણીતાના પતિ દ્વારા પોલીસને કરવામાં આવી છે. સમગ્ર મામલે પરિણીતાના પતિ દ્વારા ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે અપહરણનો પગેરું મેળવી રતનપર થી પરણિતાને શોધી કાઢી ઘટનાને અંજામ આપનાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ભોગ બનનાર પરિણીતાએ પોતાના સગા મામા સાથે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે.
તેમજ ભોગ બનનાર મહિલાને સંતાનમાં ૯ માસનો પુત્ર પણ હોવાનું ખૂલ્યું છે. કયા કારણોસર ત્રણેય શખ્સોએ જીવલેણ હુમલો કર્યો તેમજ પરિણીતા સાથે આ પ્રકારનું જઘન્ય કૃત્ય આચર્યું તે અંગે પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જાેવું અતી મહત્વનું બની રહેશે. તો સાથે જ આરોપીઓ કેટલા સમયમાં ઝડપાઈ જાય છે તે પણ જાેવું અતિ મહત્ત્વનું બની રહેશે.