પરિણીતાએ ભાઇ-બહેન સાથે મળીને સાસુ-નણંદને માર માર્યો

Files Photo
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ હિંસાના બનાવ જાણે કે સામાન્ય બની ગયા હોય તેમ રોજેરોજ નવી નવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે. રોજબરોજ ઘરેલુ હિંસાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. પુત્રવધુ, તેના ભાઈ, બહેને સાસુ અને નણંદને માર મારીને ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ. ગોમતીપુરમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેમની પુત્રવધુ તેમનાથી અલગ રહેવાની જીદ કરી હતી. જો કે, ફરિયાદીનો પુત્ર અલગ રહેવા માંગતો ન હોવાથી પુત્રવધૂ છેલ્લા દસ મહિનાથી તેના માતા પિતાને ત્યાં જ રહે છે.
ચોથી ઓક્ટોબરના દિવસે ફરિયાદી અને તેની પુત્રી ઘરે હાજર હતા. ત્યારે તેમની પુત્રવધૂ તેના પતિને મળવા માટે ઘરે આવી હતી. પરંતુ પતિ ઘરે હાજર ના હોવાથી ફરિયાદી અને તેની પુત્રીએ પુત્રવધૂને પિયરમાંથી સાસરીમા આવવા માટે સમજાવી હતી. આ દરમિયાન પુત્રવધૂ ઉશ્કેરાઈ ગઈ હતી. અને ફરિયાદીની પુત્રીને બીભત્સ અપશબ્દો બોલવા લાગી હતી.
ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા તેને ફરિયાદીની પુત્રીને ગળદાપાટુનો માર માર્યો હતો. એવામાં ફરિયાદીના પુત્રવધૂની બહેન પણ ત્યાં આવી પહોંચી હતી અને તેણે ફરિયાદીને માર માર્યો હતો. જ્યારે ફરિયાદીની દીકરી આ સમગ્ર ઘટનાનું મોબાઈલમાં રેકોર્ડિંગ કરતી હતી ત્યારે પુત્રવધૂ ના ભાઈઓ ત્યાં આવ્યા હતાં અને મોબાઇલ લઈને તેનું રેકોર્ડીંગ બંધ કરી દીધું હતું. બૂમાબૂમ થતાં જ આસપાસના રહેવાસી ત્યાં આવી પહોંચ્યા હતા. એટલે ચારેય આરોપીઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા. જોકે, જતા જતા ધમકી આપી હતી કે આપણે તારી સાસુ ને જ મારી નાંખીએ. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે હાલમાં આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.