પરિણીતાની જાણ બહાર પતિએ યુએસમાં છૂટાછેડા લઈ લીધા
અમદાવાદ, એનઆરઆઈ યુવક સાથે ૨૦૧૮માં લગ્ન કરીને ઘાટલોડિયામાં આવેલી સાસરીમાં રહેતી મહિલાએ પોતાના પતિ તથા સાસુ-સસરા વિરુદ્ધ મહિલા પોલીસ મથક (પશ્ચિમ)માં ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે લગ્નના ૧૫ દિવસ બાદથી જ તેનો પતિ તથા સાસુ-સસરા અમેરિકાનો જમાઈ જાેઈતો હોય તો દહેજ આપવું પડે તેમ કહીને દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા, ઉપરાંત પતિએ અમેરિકામાં મહિલાની જાણ બહાર જ છૂટાછેડા પણ લીધા હોવાનો પરિણાતાનો આરોપ છે. આ અંગે પોલીસે અમેરિકા ખાતે રહેતા પતિ તથા સાસુ-સસરા ઉપરાંત અમદાવાદમાં રહેતી નણંદ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગતો મુજબ, ઘાટલોડિયામાં સાસરામાં રહેતી ૩૩ વર્ષની મહિલાના લગ્ન વર્ષ ૨૦૧૮માં સમાજના રીત-રિવાજ મુજબ ઘાટલોડિયાના જ અક્ષય પટેલ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્ન બાદ તે પોતાની સાસરીમાં રહેતી હતી. આ બાદ લગ્નના ૧૫ દિવસ બાદ અક્ષયે પોતાના મિત્રોને પાર્ટી આપી હતી જેમાં તેણે પત્નીને કહ્યું કે જાે તારે મારી સાથે અમેરિકા આવવું હોય તો મારા સ્ટેટસ પ્રમાણે શોર્ટ કપડા પહેરવા પડશે. આ દિવસે જ તે દારૂ પીને આવતા યુવતીએ તેના ભાઈ તથા માતા-પિતાને વાત કરતા તે સમજાવવા આવ્યા હતા. આ સમયે અક્ષયે તેના સાસરી પક્ષના સભ્યો સાથે અભદ્ર વર્તન કરીને ઝઘડો કર્યો અને પત્નીને પણ તારે જુનવાણીમાં જીવવું હોય તો મને છૂટાછેડા આપી દે જે એમ કહી દીધું હતું.
મહિલાએ આ અંગે પોતાના સાસુ-સસરા અને નણંદને વાત કરતા તેમણે પણ અક્ષયનો જ પક્ષ લીધો. આથી મહિલાએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું, પરંતુ સસરાએ ફરિયાદ ન કરવા આજીજી કરતા તેણે ફરિયાદ નહોતી કરી. આ ઘટના બાદ પણ તેના સાસુ-સસરા તારા મા-બાપને અમેરિકામાં રહેતો જમાઈ જાેઈએ છે અને તારે અમેરિકા જવું હોય તો દહેજ પેટે રૂપિયા આપવા પડશે.તેમ કહ્યું હતું. વર્ષ ૨૦૧૯માં અક્ષય અમેરિકાના ટેક્સાસ ખાતે રહેવા જતો રહ્યો. આ બાદ મહિલાની નણંદ તેમના ઘરે રહેવા આવી અને સાસુ-સસરા અને પતિને ફોન પર ચઢામણી કરતી હતી. ઓક્ટોબર ૨૦૧૯માં મહિલાના પગમાં ફ્રેક્ચર થયું હોવાના કારણે તેણે મંદિર સાફ કરવાની ના પાડતા સસરાએ તેને વાળ પકડીને માર માર્યો હતો.
આ ઘટનાના ૩ દિવસ બાદ નણંદ તેમના ઘરે આવી અને તેના સાસુ-સસરાને મેડિટેશન કોર્સ માટે લઈ જવાનું કહીને ઘરેથી લઈ ગઈ અને તમામ લોકોએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. આ દરમિયાન નવેમ્બર ૨૦૧૯માં કેનેડા ખાતે રહેતા જેઠનો મહિલાને ફોન આવ્યો અને તેમણે જણાવ્યું કે, મમ્મી-પપ્પા હાલ મારી સાથે છે અને બાદમાં અક્ષય સાથે અમેરિકા રહેવા જશે, તારી અમેરિકા જવાની ગ્રીન કાર્ડની ફાઈલ મૂકી છે જે ચાર-છ મહિનામાં ખુલી જશે.’ ત્યારબાદ પણ મહિલાના પતિ તથા સાસુ-સસરા તેમના ફોન તથા મેસેજનો જવાબ આપતા ન હતા. આ દરમિયાન ઓગસ્ટ ૨૦૨૦માં મહિલાને જાણ થઈ કે તેના પતિએ અમેરિકામાં છૂટાછેડાની અરજી કરીને તેની જાણ બહાર જ છૂટાછેડા લઈ લીધા છે. આ બાદ પરિણીતાએ બુધવારે મહિલા પોલીસ સ્ટેશન ખાતે અમેરિકાના ટેક્સાસમાં રહેતા પતિ અક્ષય, સાસુ-સસરા તથા કડીમાં રહેતી નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.SSS