પરિણીતા હાથપગ ધોવા માટે કેનાલમાં ઉતરી-પાણી ઊંડું હોવાથી ડૂબી
તરતા ન આવડતું હોવાથી અને પાણી ઊંડું હોવાથી મહિલા પાણીની અંદર ગયા પછી બહાર આવી શક્યા નહોતા
વડોદરાઃ એવું વારંવાર કહેવામાં આવતું હોય છે કે અજાણી જગ્યા પર પાણી કેટલું ઊંડું છે તે જાણ્યા વગર તેમાં ઉતરવાથી મુશ્કેલી સર્જાઈ શકે છે. આવી જ એક ઘટના વડોદરામાં બની છે જેમાં એક મહિલા હાથ-પગ ધોવાનો વિચાર આવતા તેઓ કેનાલમાં ગયા હતા પરંતુ અહીંથી પગ લપસી જતા તેમનો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
નાની ઉંમરમાં મહિલાનું મોત થતા પરિવારને ભારે આઘાત લાગ્યો છે. મળતી વિગતો પ્રમાણે ૩૪ વર્ષના અમલીયારા ગામના દક્ષેબેન શામુન્ના ગોડા (૩૪) કે જેઓ ઘરકામ કરે છે. અને તેઓ વડોદરા શહેર નજીક આવેલા કોયલી ગામ પાસે કેનાલમાં હાથ-પગ ધોવા માટે ઉતર્યા હતા.
પરંતુ અહીંથી તેમનો પગ લપસી જતા તેમનું બહાર આવવું મુશ્કેલ થઈ ગયું હતું. તરતા ના આવડતું હોવાથી અને પાણી ઊંડું હોવાથી દક્ષાબેન પાણીને અંદર ગયા પછી બહાર આવી શક્યા નહોતા. ગુરુવારે બનેલી ઘટનામાં દક્ષાબેન ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે તેઓ કેનાલ જાેઈને હાથ-પગ ધોવા માટે કેનાલમાં ઉતર્યા હતા.
પરંતુ પાણી કેટલું ઊંડું છે તેનો તેમને અંદાજ નહીં હોય. હાથ-પગ ધોવા માટે કેનાલમાં ઉતરેલા દક્ષાબેનનો પગ અચાનક લપસી જતા તેઓ કેનાલમાં ડૂબી ગયા હતા. આ બનાવના બે કલાક પછી કેનાલ પાસેથી પસાર થઈ રહેલા એક વ્યક્તિ પાણીમાં કંઈક વિચિત્ર તરતું દેખાયું હતું.
આખરે તપાસ કરતા જાણવા મળ્યું કે આ પાણીમાં ડૂબી ગયેલી કોઈ મહિલાની લાશ તરી રહી છે. આ ઘટના અંગે આગળ જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે દક્ષાબેનનો મૃતદેહ બહાર કાઢીને તેને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. આ સાથે કેસની પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.
મૃત્યુ પામનારા દક્ષાબેનની એક સામાન્ય ભૂલ મોંઘી પડી ગઈ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. તેઓ ઘરકામ કરે છે અને તેમના પતિ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનું એક સંતાન છે જેની ઉંમર ૧૪ વર્ષની છે. દક્ષાબેનના નિધનથી પરિવારને ભારે આઘાત લાગ્યો છે. કેનાલમાં પાણી લેવા અને આ રીતે હાથ-પગ ધોવા માટે અન્ય લોકો પણ ઉતરતા હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે.