પરિણીત કોન્સ્ટેબલને વિધવા સાથે પ્રેમ થયો
અમદાવાદ, સમાજની દ્રષ્ટિએ લગ્નેત્તર સંબંધ ગેરમાન્ય છે અને ખોટો ગણવામાં આવે છે પરંતુ પોલીસકર્મીઓના નીતિશાસ્ત્રના નિયમો મુજબ તેને વ્યભિચાર ગણી શકાય નહીં, તેમ ગુજરાત હાઈકોર્ટે એક પિટિશનની સુનાવણી દરમિયાન કહ્યું છે.
કોન્સ્ટેબલનો એક મહિલા સાથે લગ્નેત્તર સંબંધ હોવાથી તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. જેથી તેણે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. હાઈકોર્ટે કોન્સ્ટેબલનો ડિસમિસ ઓર્ડર રદ્દ કરીને શહેર પોલીસને તેને નોકરીમાં પાછો લેવાનો આદેશ કર્યો છે. સાથે જ પાછલા મહિનાઓનો ૨૫ ટકા પગાર આપાવાના પણ નિર્દેશ આપ્યા છે.
આ કોન્સ્ટેબલ પોતાના પરિવાર સાથે શાહીબાગ સ્થિતિ પોલીસ હેડક્વાર્ટ્સમાં રહેતો હતો. આ કોલોનીમાં એક મકાનમાં રહેતાં વિધવા સાથે કોન્સ્ટેબલને પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને વચ્ચેના સંબંધની ગંધ વિધવાના પરિવારને આવી જતાં તેમણે ક્વાર્ટર્સમાં સીસીટીવી કેમેરા નખાવ્યા હતા.
બંનેના અનૈતિક સંબંધોના પુરાવા મળ્યા બાદ વિધવાના પરિવારે ૨૦૧૨ની સાલમાં પોલીસ વિભાગમાં ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી હતી. સત્તાધીશોએ સવાલ કરતાં બંનેએ સંબંધનો સ્વીકાર કર્યો હતો અને વિધવાએ કહ્યું કે, તેની મંજૂરીથી જ તેઓ સંબંધમાં આગળ વધ્યા હતા.
કોન્સ્ટેબલ અને વિધવાએ પ્રેમ સ્વીકાર્યા બાદ ડિપાર્ટમેન્ટના સત્તાધીશોએ આ મામલે ઈન્ક્વાયરી કરવાનું ટાળ્યું હતું જેથી બંને પક્ષોને નકામી મુશ્કેલીનો સામનો ના કરવો પડે. કોન્સ્ટેબલને કારણદર્શક નોટિસ આપીને ૨૦૧૩માં સર્વિસમાંથી ડિસમિસ કરાયો હતો.
પોલીસ ફોર્સની ફરજ છે કે તેઓ મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને સુરક્ષા પૂરી પાડે. પરંતુ કોન્સ્ટેબલે મહિલાનું શોષણ કરીને અધમતા આચરી છે, જેથી ડિસમિસ કરવામાં આવે છે તેમ વિભાગ દ્વારા જણાવાયું હતું. પોલીસ વિભાગના સત્તાધીશોએ એમ પણ કહ્યું કે, કોન્સ્ટેબલની આ હરકતને હળવાશમાં ના લઈ શકાય અને તે ફરજ પર કાર્યરત રહે તે પોલીસ વિભાગના હિતમાં નથી.
કોન્સ્ટેબલ પર ફરજ પર રહેશે તો લોકોમાં પોલીસ પ્રત્યેનો જે વિશ્વાસ છે તેને નુકસાન પહોંચશે. આ તરફ કોન્સ્ટેબલે કોર્ટમાં અરજી કરતાં કહ્યું હતું કે, તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો તે પહેલા ઈન્ક્વાયરીની પ્રક્રિયાનું પાલન નહોતું કરાયું.SSS