Western Times News

Gujarati News

પરિણીત પુરુષે પ્રથમ લગ્ન છૂપાવીને બીજા લગ્ન કર્યા

Files Photo

અમદાવાદ: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક વ્યક્તિએ પોતે પરિણીત હોવા છતાં આ હકીકત છૂપાવીને બીજી યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે, યુવતીના હાથમાં યુવકના પ્રથમ લગ્નના ફોટોવાળું આલ્બમ આવી જતા યુવકની પોલ ઊઘાડી પડી ગઈ હતી. બાદમાં લગ્ન કર્યાં હોવા છતાં ઘરમાં પ્રવેશ ન આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને વધારે કાર્યવાહી કરી છે. આશ્રમ રોડ શાંતિનગરમાં રહેતી એક મહિલાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે વર્ષ ૨૦૧૧માં સમાજના અગ્રણી થકી તેમનો સંપર્ક ઘાટલોડિયામાં રહેતા પ્રિયાંક સાથે થયો હતો. ટેલીફોનિક વાતચીતમાં બંનેએ ઇમેઇલની આપ લે કરી હતી.

જેમાં પ્રિયાંકે ઓસ્ટ્રેલિયામાં એમબીએ સહિત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત મેળવી હોવાનું જણાવ્યું હતું. શૈક્ષણિક લાયકાત જોઈને યુવતીએ તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. સમાજના રીત-રિવાજ મુજબ બંનેએ લગ્ન કર્યા હતા. જોકે, ફરિયાદી યુવતીના હાથમાં એક આલ્બમ આવ્યું હતું. જેમાં તેના પતિના આ પહેલાના લગ્નના ફોટો તેણીએ જોયા હતા. આ બાબતની જાણ તેણીએ તેના પતિને કરતા પતિએ કહ્યુ હતુ કે, આ લગ્નના નહીં પરંતુ સગાઇના ફોટો છે.

જે અંગે ફરિયાદીએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેના પતિએ વર્ષ ૨૦૦૮માં એક યુવતી સાથે લગ્ન કર્યા છે. આ વાત જાણ્યા બાદમાં બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. મનમેળ ન થતા ફરિયાદી યુવતી તેના પતિથી અલગ રહેવા માટે ગઈ હતી. જોકે, અનેક વખત સમજાવ્યા બાદ પણ તેનો પતિ તેને રાખવા માટે તૈયાર ન થતાં યુવતીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે. એટલું જ નહીં ફરિયાદી યુવતીનો આરોપ છે કે તેના પતીએ કંકોત્રીમાં પોતે પીએચડીની ડીગ્રી મેળવી હોવાનો ખોટો ઉલ્લેખ કર્યો હતો. હાલમાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.