પરિણીત પુરુષ સાથે ભાગી જનારી છોકરી ઝડપાઈ ગઈ
છોકરીને ૧૦ દિવસમાં શોધીને કોર્ટમાં રજૂ કરી-છોકરીના પિતાનું અવસાન થયું અને માતાએ બીજા લગ્ન કરી લીધા, છોકરીને ફસાવીને પરિણીત પુરુષ ભગાડી ગયો
અમદાવાદ, પ્રેમજાળમાં ફસાઈને પોતાનું સર્વસ્વ કુરબાન કરી દેતી યુવતીઓના કિસ્સા અજાણ્યા નથી. એક નહીં ઘણા કિસ્સા સામે આવ્યા છે જ્યાં પ્રેમાંધ બનેલી મહિલાને દગો મળ્યો હોય. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં ૧૪ વર્ષની છોકરી પ્રેમજાળમાં ફસાઈ પરંતુ હવે એ ચુંગાલમાંથી બહાર નીકળીને નવેસરથી જીવન શરૂ કરવા માગે છે.
પરિણીત પુરુષ દ્વારા આપવામાં આવેલી લોભ-લાલચના મોહપાશમાં ફસાઈ ગયેલી ૧૪ વર્ષની છોકરીનો કિસ્સો કોર્ટ સમક્ષ આવ્યો છે. સગીરાને કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે તેણે કેફિયત રજૂ કરતાં કહ્યું, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. પરંતુ હવે મારી બીજું કશું નથી કરવું માત્ર ભણવું છે.
સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર ૧૪ વર્ષીય છોકરીના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા અને માતાએ અન્ય કોઈની સાથે લગ્ન કરી લીધા છે. માતાપિતાની હૂંફ વિનાની દીકરીને પુખ્તવયનો પરિણીત પુરુષ લોભામણા વાયદા આપીને ભગાડી ગયો હતો. ત્યારે તેના સગામાં થતી એક બહેને હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી હતી.
જે અરજીમાં રાજકોટ પોલીસે ૧૦ દિવસમાં સગીરાને શોધીને કોર્ટમાં હાજર કરી હતી. સગીર વયમાં ક્યારેક એવી ભૂલો થઈ જાય છે જેનો પાછળથી ખૂબ પસ્તાવો થાય છે. પરંતુ આ ભૂલ સમજીને સુધારી લેવામાં આવે તો પસ્તાવાનો ભાર હળવો થઈ શકે છે. આ કેસમાં પણ આવું જ થયું છે. સગીરાએ પોતાની ભૂલ કબૂલીને જીવનમાં આગળ વધવાનો ર્નિણય કર્યો હતો.
કોર્ટે પણ સગીરાના આ ર્નિણયને હકારાત્મક દ્રષ્ટિકોણથી જાેઈને આદેશમાં ટાંક્યું, છોકરી આગળ અભ્યાસ કરવા ઈચ્છે છે. અમે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને વિનંતી કરીએ છીએ કે તેઓ છોકરીના કુટુંબીજનો સાથે આ દિશામાં વિસ્તૃત વાર્તાલાપ કરે અને સુનિશ્ચિત કરે કે તેનો આગળનો અભ્યાસ ચાલુ રહે.
જાે આ મુદ્દે કોઈ મુશ્કેલી જણાય, પ્રવેશ મેળવવામાં તકલીફ થાય તો ઓથોરિટીએ તેને જરૂરી તમામ મદદ કરવાની રહેશે. હાઈકોર્ટે સગીરાની તબીબી તપાસ કરાવવાનો પણ આદેશ આપ્યો છે અને તેના નિવેદન નોંધવા સહિતની કામગીરી તાકીદે કરવાનું કહ્યું છે.
હાઈકોર્ટે આદેશ કર્યો કે દર મહિને એક મહિલા કલ્યાણ અધિકારીએ છોકરીની મુલકાત લેવાની રહેશે. તેમણે સંબંધિત કોર્ટના જજને તમામ ફોલોઅપ આપવાના રહેશે. છોકરીના અભ્યાસ સંદર્ભે પણ નિર્દેશો આપવાના રહે છે. જાે પ્રસ્તુત મામલે કોઈ વળતરની ચૂકવણી કરવાની થતી હોય તો તેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આને અને પોક્સોના કેસમાં પણ છોકરીની કાનૂની મદદ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, આ છોકરીને એક પરિણીત પુરુષ ફોસલાવીને ભગાડીને લઈ ગયો હતો.