પરિપત્રમાં સુધારાઓ અંગેની ઘોષણાનું ભાજપ દ્વારા સ્વાગત

પ્રતિકાત્મક
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીની સંવેદનશીલ સરકાર દ્વારા મહિલા અનામત બાબતના પરિપત્રમાં સુધારો કરવાની કરેલી જાહેરાતને સહર્ષ આવકારી રાજ્ય સરકારને અભિનંદન આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,છેલ્લાં કેટલાંક દિવસથી એલઆરડીની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ મહિલા ઉમેદવારો પોતાની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા હતા.ઓબીસી,એસસીએસટી વર્ગની ઊંચા ગુણ સાથે પાસ થયેલી મહિલાઓની સરકારના એક પરિપત્ર બાબતે રજૂઆત હતી
તે અંગે જે તે સમયે જ રાજ્ય સરકાર દ્વારા તે મહિલાઓને બાહેધરી આપવામાં આવી હતી કે સરકાર આ પરિપત્ર બાબતે કાયદાવિદો સાથે પરામર્શ કરી તેમજ નામદાર સુપ્રીમકોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓનો અભ્યાસ કરી કોઈપણ વર્ગને અન્યાય ના થાય તે રીતે યોગ્ય નિર્ણય લેશે.તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આજે આ પરિપત્રમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણયને ભાજપા વતી તેમજ સમગ્ર ગુજરાતની જનતા વતી આવકારી રાજ્ય સરકારનો આભાર માનું છું.
વાઘાણીએ જણાવ્યું હતું કે,ભાજપા સરકારની પહેલેથી જ નીતિ રહી છે કે કોઈપણ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો તેમજ તમામ લોકોને સંપૂણ ન્યાય મળે તે રીતે નિર્ણય લેવો. જ્યારે કોંગ્રેસ હંમેશા વોટબેંકને નજરમાં રાખી પોતાના રાજકીય રોટલાં શેકવા માટે સમાજના જુદાજુદા વર્ગોને,જ્ઞાતિ-જાતિને ઉશ્કેરવાની નિમ્નકક્ષાની રાજનીતિ કરતી હોય છે જયારે ભાજપા સૌનો સાથ-સૌનો વિકાસ-સૌનો વિશ્વાસ અને સૌને ન્યાય’ના સિદ્ધાંતને અનુસરીને સમાજના દરેક વર્ગ તથા જ્ઞાતિ-જાતિના હિતને ધ્યાનમાં રાખી સમાનતાથી નિર્ણયો કરી રહી છે.