Western Times News

Gujarati News

પરિમલ ચાર રસ્તાથી છડાવાડ ચોકી સુધી ટ્રાફિક જામની સમસ્યા

અમદાવાદ, શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. આ ઉપરાંત કેટલાંક આયોજન વગરના પ્રોજેક્ટોને કારણે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને નાગરીકો પરેશાન થઈ રહ્યા છે.  શહેરમાં જનમાર્ગ પ્રોજેક્ટના અમલીકરણ સમયે ૬ મીટર પહોળાઈની ફૂટપાથ એક-બે સ્થળે બનાવવામાં આવી હતી. પરંતુ ટ્રાફિક સમસ્યાના કારણે તેને તોડીને નાની કરવામાં આવી છે. તેથી નવી ડીઝાઈનમાં ૬ મીટર પહોળી ફૂટપાથનો સમાવેશ થાય એવી શક્યતાઓ ઓછી છે.

આંબાવાડી વિસ્તારમાં આવેલી છડાવાડ પોલિસ ચોકીથી પરિમલ ગાર્ડન ચાર રસ્તા તરફ જતાં ટ્રાફિકની સમસ્યા એટલી હદે વધી ગઈ છે કે લાંબી લાઈનો લાગી જાય છે. સવારે પરિમલ ગાર્ડનમાં ચાલવા આવતાં લોકો ગાર્ડનની બહાર જ ટુ વ્હીલર પાર્ક કરીને ગાર્ડનમાં ચાલવા જાય છે.  હાલમાં ચીરાગ મોટર્સ ચાર રસ્તાથી પરિમલ ગાર્ડન તરફ જતાં રોડ પર ફૂટપાથ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ ફૂટપાથને કારણે ચાર રસ્તા પર આવેલા બિલ્ડીંગમાં આવતા લોકો રસ્તા પર જ ટુ વ્હીલર પાર્ક કરવાનું શરૂ કરી દેશે તેવી દહેશત છે.

છેલ્લાં ઘણાં સમયથી ફૂટપાથો બનાવવાનાં નામે બિલ્ડરોનાં લાભાર્થે પાર્કિગ પ્લોટો બનાવવામાં આવ્યાં હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તમામ ફૂટપાથો રાહદારીઓ માટે ચાલવાની જગ્યાનાં બદલે વાહનચાલકો તેનાં ઉપર વાહન પાર્ક કરી રહ્યાં છે. જેનાં પરીણામે રાહદારીઓને રસ્તા ઉપર ચાલવાં મજબૂર બનવું પડે છે. પરિમલ ચાર રસ્તા પર જ નવેસરથી ફૂટપાથ અને ટ્રાફિક આયલેન્ડ બનાવવાની કામગીરી થઈ હતી પરંતુ ચાર રસ્તા નજીક ગાડી કે મોટી બસો વાળવાની તકલીફો પડશે તેવું મોડે મોડે ખ્યાલ આવતાં ટ્રાફિક આયલેન્ડ તોડવા તંત્ર મજબૂર બન્યુ હતું.

આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ખાતાની નિષ્ક્રિયતાના કારણે ફૂટપાથ પર દબાણ થઈ જાય છે. તથા અનેક વિસ્તારોમાં ફૂટપાથનો પાર્કિગ તરીકે પણ ઉપયોગ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.