પરિમલ નથવાણી, નરહરિ અમિન ટોપ ટેન ઘનાઢય સાંસદોમાં સામેલ
અમદાવાદ: ગુજરાત રાજ્ય સભાની ૪ બેઠકોની ચૂંટણી ૧૯ જૂને યોજાઈ હતી જેમાં બીજેપીએ ૩ બેઠક જીતી હતી અને કોંગ્રેસને એક બેઠકથી સંતોષ માનવો પડયો હતો. કોંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકી જીત નહોતા મેળવી શક્યા. બીજેપીના ત્રણેય ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલાબેન વારા, નરહરિ અમીને જીત મેળવી હતી. બીજી તરફ કોંગ્રેસના ફાળે એક બેઠક આવી.
કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો વિજય થયો હતો. આ સાથે સમગ્ર દેશમાં કુલ ૬૨ રાજ્યસભાના સાંસદ ચૂંટાઈને આવ્યા છે. તેમાં બીજેપીથી ચૂંટાઈને આવેલા નરહરિ અમીન અને આંધ્ર પ્રદેશથી વાયએસઆર કોંગ્રેસના સાંસદ પરિમલ નથવાણી ટોપ ૧૦ સૌથી અમીર સાંસદોની યાદીમાં આવે છે. ૩૯૬ કરોડની કુલ સંપત્તિ સાથે પરિમલ નથવાણી સૌથી અમીર સાંસદોની યાદીમાં બીજા સ્થાને છે, જ્યારે ૭૫ કરોડથી વધુની સંપત્તિની સાથે નરહરિ અમીન આઠમા સ્થાને છે.
નેશનલ ઈલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિપોર્ટ ના વિશ્લેષણ અનુસાર, આ યાદીમાં ૨,૫૭૭ કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ સાથે આંધ્રપ્રદેશથી વાયએસઆર કોંગ્રેસના સાંસદ અલ્લા અયોધ્યા રામી રેડ્ડી સૌથી મોખરે છે. મંગળવારે દ્ગઈઉ-છડ્ઢઈએ જાહેર કરેલી તે ૬૨ સાંસદોની સંપત્તિ અને અપરાધિક કેસોનું વિશ્લેષણ કર્યું જેઓ ૧૯ જૂને ચૂંટણી બાદ કે નિર્વિરોધ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે.
ઉલ્લેખનીય વાત છે કે, નોમિનેશન પેપરની સાથે આપવામાં આવલા આવકવેરા રિટર્ન મુજબ, નરહરિ અમીન અને પરિમલ નથવાણી જાહેર કરેલી આવકમાં પણ ટોપ-૧૦માં સામેલ છે. ૨૦૧૮-૧૯ના વર્ષ અનુસાર, ૪૮ કરોડ રૂપિયાની કુલ આવક અને ૩૧ કરોડથી વધુ સેલ્ફ ઈન્કમની સાથે નરહરિ અમીન ત્રીજા સ્થાને છે.