પરિવારના ત્રણ નાના ભુલકાઓને ભૂલી સમરસમાં અવિરત સેવા આપતું ડોક્ટર દંપતી
ડો. કેતન પીપળીયા અને ડો. શીતલ પીપળીયા દર્દીઓની સારવારને ગણાવે છે, સાચો માનવધર્મ
ટૂંકા ગાળામાં ૭૦૦ જેટલા ઓક્સિજન બેડના નિર્માણ અને ઓક્સિજન વ્યવસ્થા સાહિતિની અગ્રીમ ભૂમિકા નિભાવતા ડો. કેતન
ડોક્ટરનો સાચો ધર્મ દર્દીઓની સારવાર અને તે ઝડપથી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તે જ પ્રાથમિકતા હોઈ છે, હાલ તો અમારા બાળકો કરતા અમારી પ્રાથમિકતા દર્દીઓને સ્વાસ્થ્ય પ્રદાન કરવાની છે, તેમ રાત દિવસ સમરસ ખાતે ફરજ બજાવતા ડો. કેતન અને ડો. શીતલ પીપળીયા દંપતી કોઈપણ પ્રકારના ખેદ વગર જણાવે છે.
કોરોનાએ જેટલી ઝડપથી વેગ પકડ્યો તેટલા જ વેગથી સમરસ હોસ્ટેલ ખાતે ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે ઓક્સિજનના બેડ સાથેનું સેટઅપ વધારવા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ત્વરિત ગતિએ કામ વધારાતું ગયું.
જેમાં ઓક્સિજનની પાઈપલાઈન ફિટ કરાયા બાદ તમામ બેડ પાસે પદ્મકુંવરબા હોસ્પિટલના ડો. પીપળીયા અને તેમની ટીમ લાઈન ફ્લશીંગ, ઓક્સીઝન પ્રેસર, વોલ્યુમ તેમજ ટેસ્ટિંગ સહિતની કામગીરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ સાથે રોજે રોજ ઓક્સીઝનની સપ્લાય તેમજ જથ્થો મળી રહે તે માટે ડેપ્યુટી કલેકટર અને અધિક્ષક શ્રી ગોહિલ તેમજ અધિકારીઓ સાથે કોર્ડીનેશન પણ કરવાનું તો ખરૂ જ.
ડો. કેતન પીપળીયાની સાથે જ તેમના ફિઝીયોલોજિસ્ટ પત્ની ડો. શીતલ પીપળીયા જેઓ પી.ડી.યુ. મેડિકલ કોલેજ ખાતે એસોસિએટ પ્રોફેસર છે તેઓ પણ હાલમાં સમરસ ખાતે ફ્લોર મેનેજર તરિકે ક્લિનિકલ, વેકેન્સી તેમજ ડિસ્ચાર્જ સહિતની જવાબદારી તો નિભાવી જ રહયાં છે,
પરંતુ તેની સાથો-સાથ તેઓ તેમની ૧૨ વર્ષની પુત્રી અને બે ૧૦ વર્ષના ટ્વિન્સ બાળકોના માતા તરિકેની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે. બાળકો માટે ભોજન અને તેમની રોજબરોજની પ્રવૃત્તિ ચાલુ રહે તે માટે ખાસ ટાઈમ મેનેજમેન્ટ કરીને એક ગૃહણી તરિકેની જવાબદારી પણ અદા કરી રહયાં છે.
સમરસની સમગ્ર ટીમને શ્રેય આપતા ડો. પીપળીયા જણાવે છે કે, સમરસ ખાતે તમામ સ્ટાફ ડેડીકેટેડ હોવાનું અને એકબીજાના સંકલનમાં સારી રીતે કામગીરી કરી રહ્યા છે. હાલની સ્થિતિએ દર્દીઓ વહેલાસર સાજા થઈ ઘરે પરત ફરે તેવી ભાવના સાથે સૌ કામગીરી કરી રહ્યાનું જણાવે છે.
જયારે દર્દી સાજા થઈ સમરસથી વિદાય લેતી વેળાએ આશીર્વાદ આપતા જાય છે, તેને જ સાચો રીવોર્ડ તેઓ માને છે. વધુમાં ડો. પીપળીયા જણાવે છે કે, આત્મસંતોષ ત્યારે જ થાય જયારે તમારા કામથી કોઈના જીવનમાં નવો ઉજાસ પથરાય.