Western Times News

Gujarati News

પરિવારના ૪ સભ્યોનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે ખેતરમાં જવાના રસ્તા બાબતે પાડોશી ખેતર માલિકના ત્રાસથી કંટાળી એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે.

ચારેય સભ્યોને તાત્કાલિક સુરેન્દ્રનગર ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જઇ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વઢવાણના વસ્તડી ગામે રહેતા અંબારામભાઇ ગાંડારામભાઇ મોરીના એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી ૧૦૮ની ટીમ દ્વારા તાત્કાલિક પરિવારના ચારેય સભ્યોને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવાયા હતા.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંબારામભાઇ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ખેતરે જવાનો રસ્તો વસ્તડી ગામના જ બળવંતભાઇ પલાણીયાના ખેતર પાસેથી પસાર થતો હતો.

જે બાબતે છેલ્લા એક માસ જેટલા સમયથી માથાકુટ ચાલતી હતી અને બળવંતભાઇ તેમજ તેમના દીકરા દ્વારા આજે ખેતરમાં જવાનો રસ્તો ખોદી નાંખી અંબારામભાઇના પરિવારને ધમકી આપતા અંબારામભાઇ, તેમના દિકરા બોલદેવભાઇ, દિકરી ચેતનબેન અને ભત્રીજી શીલાબેન ઘનશ્યામભાઇ સહીત એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી લેતા વસ્તડી ગામ સહીત જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી. જાેરાવરનગર પોલીસને ઘટના અંગે જાણ થતાં પીએસઆઇ સહીતનો પોલીસ કાફલો હોસ્પિટલ દોડી જઇ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પરિવાર વર્ષોથી ખેતરમાં આ જ રસ્તે ચાલતા હતા પરંતુ બાજુમાં રહેલા ખેતરના માલિક બળદેવભાઇ પલાણીયા અને તેમના દીકરા વિક્રમ દ્વારા છેલ્લા એક માસ કરતા વધુ સમયથી આ રસ્તા પર ન ચાલવા દઇ ત્રાસ આપવામાં આવતો હોવાનો તેમજ ગઇ કાલે એક રસ્તો ખોદી નાંખી ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

એક અઠવાડિયા પહેલા એક કારમાં ચાર શખ્સો ધસી આવ્યા હતા અને ખેતરમાં જવાના બે રસ્તા પૈકી એક પણ રસ્તે ન ચાલવાની ધમકી આપી હતી. જેથી કંટાળીને પરિવારના ચાર સભ્યોએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. જેમાં અંબારામભાઇના દીકરા બળદેવની હાલત હાલ ગંભીર છે ત્યારે પોલીસ દ્વારા આ મામલે ઝડપથી તપાસ કરી ન્યાય આપવામાં આવે તેમજ કસુરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોની માંગ કરી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.