પરિવારવાદીઓ પાર્ટનર શા માટે બદલતા રહે છે: મોદી
કાનપુર, વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના અનુસંધાને સોમવારે કાનપુર ખાતે એક જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ અકબરપુર વિધાનસભા ખાતે વિપક્ષી પાર્ટીઓ પર જાેરદાર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, આ વખતે ઉત્તર પ્રદેશમાં ૧૦ દિવસ વહેલી રંગોવાળી હોળી રમવામાં આવશે. ૧૦ માર્ચના રોજ જ્યારે ચૂંટણીના પરિણામો આવશે ત્યારે ધામધૂમપૂર્વક રંગોવાળી હોળી શરૂ થઈ જશે.
વડાપ્રધાને કહ્યું કે, યુપીના લોકોએ આમને ૨૦૧૪માં હરાવ્યા, ૨૦૧૭માં હરાવ્યા અને ૨૦૧૯માં ફરી એક વખત હરાવ્યા અને હવે ૨૦૨૨માં પણ ઘોર પરિવારવાદીઓ ફરી હારશે. પરિવારવાદીઓ હંમેશા પાર્ટનર શા માટે બદલતા રહે છે? તેઓ કઈ રીતે યુપીના લોકોની સેવા કરશે? પહેલાની સરકારોએ પ્રદેશના લોકોને લૂંટ્યા છે.
કાનપુર ખાતે વડાપ્રધાને કહ્યું કે, તેઓ હારનું ઠીકરૂં સાથે હોય તેના માથે ફોડી દે છે. આ લોકોનું ચાલે તો કાનપુર અને યુપીના અન્ય મહોલ્લાઓને માફિયાગંજ મહોલ્લા બનાવી દે. યુપીમાં માફિયાગિરી અંતિમ શ્વાસ લઈ રહી છે. ૨૦૧૪માં અહીં એવી સરકાર હતી જે ગરીબોનું ઘર બનાવવા તૈયાર નહોતી.
પહેલાની સરકારોએ યુપીના સામર્થ્ય સાથે અન્યાય કર્યો. તેમણે યુપીને લૂંટ્યુ, દિવસ-રાત લૂંટ્યુ અને અહીંના લોકોને ગુનેગારો, તોફાનીઓ, માફિયાઓના હવાલે કર્યા.
વડાપ્રધાને કહ્યું કે, યુપીમાં બીજા ફેઝનો જે ટ્રેન્ડ આવ્યો છે અને પહેલા તબક્કામાં જે મતદાન થયું છે તેનાથી ૪ વાતો સ્પષ્ટ થાય છે. પહેલું- ભાજપની સરકાર, યોગીજીની સરકાર ફરી આવી રહી છે. જાેરશોરથી ગાજવીજ સાથે આવી રહી છે. બીજું- દરેક જાતિના, દરેક વર્ગના લોકો વહેંચાયા વગર, ભ્રમમાં પડ્યા વગર એકજૂથ થઈને યુપીના ઝડપી વિકાસ માટે મતદાન કરી રહ્યા છે.
ત્રીજું- આપણી માતાઓ-બહેનો-દીકરીઓએ ભાજપના વિજયનો ઝંડો પોતે જ ઉઠાવ્યો છે. ચોથું- મારી મુસ્લિમ બહેનો, ચૂપચાપ, કોઈ પણ જાતના અવાજ વગર, મનથી મોદીને આશીર્વાદ આપવા માટે ઘરેથી નીકળી રહી છે. આપણી મુસ્લિમ મહિલાઓ-બહેનો-દીકરીઓ જાણે છે કે જે સુખ-દુખમાં કામ આવે તે જ આપણું હોય છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપના રાજમાં મુસ્લિમ યુવતીઓ પોતાને સુરક્ષિત અનુભવે છે. રાજ્યમાં હવે ખૂબ વધારે સંખ્યામાં મુસ્લિમ છોકરીઓ શાળા અને કોલેજીસમાં જઈ રહી છે.
આ સિવાય વડાપ્રધાને કોવિડ મહામારી દરમિયાન ફ્રી રાશનનો ડબલ લાભ વગેરે મુદ્દે વાત કરી હતી. મમતા બેનર્જીની પાર્ટી પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે, ટીએમસીના નેતા જે ગોવામાં પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે તેમને એવો સવાલ કરવામાં આવ્યો કે, ગોવામાં તમારી પાર્ટીનું મહત્વ નથી તો કેમ ચૂંટણી લડવા આવ્યા. તેના જવાબમાં તેમણે ગોવામાં હિંદુ મતમાં ભાગલા પાડવા ગઠબંધન કર્યું તેમ કહ્યું હતું.SSS