પરિવારે દુષ્કર્મના આરોપીને માર મારીને પતાવી દીધો
પટના: બિહારના કૈમૂરમાં એક ચાર વર્ષની બાળકી સાથે બળાત્કારનો કેસ સામે આવ્યો છે. બાળકીના પરિવારના લોકોએ આ વાતની જાણ થતાં જ તેમણે આરોપી યુવકને પકડી પાડ્યો હતો અને માર મારીને તેની હત્યા કરી નાખી હતી. આરોપી યુવક કબાર ગામનો રહેવાશી હતો અને પીડિત પરિવારની બાજુમાં રહેતો હતો.
આરોપીનું નામ સીપૂ કુમાર છે. આરોપી યુવક નળ જલ યોજનામાં ઑપરેટરનું કામ કરતો હતો. પોલીસે મૃતકના પરિવારના લોકોના નિવેદન બાદ મૃતક બાળકીના કાકાની હત્યાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. આ કેસમાં બંને પક્ષ તરફથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પોલીસ હાલ આ મામલે વધારે તપાસ કરી રહી છે. પીડિત પરિવારે આરોપ લગાવ્યો છે કે આરોપી યુવક ચૉકલેટ આપવાના બહાને ચાર વર્ષની બાળકીને ફોસલાવીને પંચાયત ભવનમાં લઈ ગયો હતો. અહીં બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. બાળકીએ જ્યારે પરિવારના લોકોને આ વાત કહી ત્યારે તમામ લોકો ગુસ્સે ભરાયા હતા.
જે બાદમાં પરિવારના લોકો યુવકને શોધવા લાગ્યા હતા. આરોપી એક ઝાડ પર ચઢી ગયો હતો. જે બાદમાં તેને નીચે ઉતારવામાં આવ્યો હતો અને ખૂબ જ ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. ઢોર મારને પગલે આરોપી યુવકનું મોત થઈ ગયું હતું.
મૃતકની બહેનનું કહેવું છે કે બાળકી બે દિવસ પહેલા અહીં રમવા માટે આવી હતી. રમતી વખતે બાળકી સીડી પરથી નીચે પડી ગઈ હતી, જેમાં તેણીને ઈજા પહોંચી હતી.
જે બાદમાં તેનો ભાઈ તેને ખોળામાં લઈને રમાડવા લાગ્યો હતો. અમુક લોકોએ આ વાતને જુદી રીતે જાેઈ હતી અને તેની સાથે મારપીટ કરી હતી. એસપી દિલનવાઝ અહમદે જણાવ્યું કે, બંને પક્ષની ફરિયાદ લેવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે એક પક્ષે બળાત્કારની ફરિયાદ આપી છે, જ્યારે બીજા પક્ષે માર મારીને હત્યા કરી નાખવાની ફરિયાદ આપી છે. હવે પોલીસ આ કેસની તપાસ કરી લીધી છે. પોલીસે હત્યાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.