પરિવારો ઘર બંધ કરી ઉત્તરાયણ કરવા વતન ગયા અને તસ્કરો ૫ મકાનોમાં ત્રાટક્યા
મોડાસા : એક મકાનમાંથી ૫૦ હજારથી વધુની ચોરી
મોડાસા શહેરમાં તસ્કરોએ જાણે પડાવ નાખ્યો હોય તેમ સતત બંધ મકાનને નિશાન બનાવી લાખ્ખો રૂપિયાની ચોરી કરીની ઘટનાને અંજામ આપી પોલીસતંત્રને પડકાર આપી રહ્યા છે મોડાસા શહેરની બાયપાસ રોડ પર આવેલી દેવાયત-૧ સોસાયટીમાં રહેતા પરિવારો ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે વતનમાં જતા તસ્કર ટોળકી ત્રાટકી ૫ બંધ મકાનને નિશાન બનાવ્યા હતા
જેમાં ૧ મકાનમાંથી ૫૦ હજાર રોકડની ચોરી કરી હતી અન્ય ૪ મકાનોમાં રોકડ રકમ કે કિંમતી ચીજવસ્તુઓ ન હોવાથી મોટી ચોરીની ઘટના અટકી હતી એક સાથે ૫ બંધ મકાનના તાળા તૂટતાં ટાઉન પોલીસ દોડતી થઇ હતી.
હજુ આ અંગે પોલીસ ચોપડે ચોરીનો ગુન્હો નોંધાયો ન હોવાનું ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઓએ જણાવ્યું હતું
પ્રાપ્ત માહીતી અનુસાર, ઉત્તરાયણ પર્વના પગલે દેવાયત-૧ સોસાયટીમાં રહેતા અમૃતભાઈ ભાવસાર શહેરમાં તેમના જુના ઘરે ઉત્તરાયણ કરવા પરિવાર સાથે પહોંચ્યા બાદ ત્યાં જ રોકાઈ ગયા હતા.
અન્ય ચાર મકાનમા રહેતા પરિવારો વતનમાં ઉત્તરાયણ કરવા જતા બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તમામ મકાનમાં રહેલ તિજોરી અને કબાટ તોડી નાખ્યા હતા
જેમાં અમૃતભાઈ ભાવસારના મકાનમાંથી ૫૦ હજાર રૂપિયા રોકડ રકમ તસ્કરોને હાથ લાગી હતી અન્ય મકાનોમાં ફોગટનો ફેરો પડ્યો હતો એક સાથે ૫ મકાનમાં ચોરીની ઘટનાના પગલે મકાનમાલીકો ઘરે દોડી આવ્યા હતા સમગ્ર મામલે મોડાસા ટાઉન પોલીસ ને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી મોડાસા શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ચોરી ના બનાવો પર નિયંત્રણ બાદ ચોરીના સતત બનાવો બનતા શહેરીજનોમાં ફફડાટ જોવા મળ્યો છે