પરિવાર અને ફરજ એ બે પૈકી ફરજના પલડાને વજનદાર બનાવી ફરજ નિભાવતા તબીબો
પોતાના વ્હાલસોયા પરિવારજનોની પરવા કર્યા વિના ડોક્ટરો કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરે છે.
(આલેખન :- હિમાંશુ ઉપાધ્યાય) કોરોનાની મહામારીને નાથવો એક પડકાર જરૂર છે પરંતુ રાજ્ય પ્રશાસન કોઈપણ કચાસ રાખ્યા વિના કે પાછું પડ્યા વગર મક્કમ પણે તેનો પડકાર કરી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેઝિગ્નેટેડ કોવિડ- 19 જાહેર કરાયેલી 1200 બેડની હોસ્પિટલ માં કાર્યરત ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા સફાઇ ની કામગીરી જેઓ સફળતાપૂર્વક વહન કરે છે એવા સેવકો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
હોસ્પિટલ તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તથા તેમનું માનસિક સંતુલન વધે તે માટે યોગ અને પ્રાણાયમ કરાવવાનો આજથી પ્રારંભ કરાયો જ છે પરંતુ દર્દીઓ માટે ભગવાન સમાન એવા ડૉક્ટરોની ફરજ નિષ્ઠા અને તેમનો સંવેદના પૂર્ણ અભિગમ પણ એટલો જ મહત્વનો છે. 1200 ની હોસ્પિટલમાં મહત્વની જગ્યા પર ફરજ બજાવતા કેટલાય યુવાન ડોક્ટરોની ફરજનિષ્ઠા ને સલામ કરવાનું મન થાય એવું છે. આ યુવાન ડોક્ટરો રોજ નિયત સમય કરતા હોસ્પિટલમાં સમય તો વધારે ફાળવે જ છે, પરંતુ તેમના પરિવારજનો ચિંતા કે પરવા કર્યા વિના તેઓ કોવિઙ-19 હોસ્પિટલમાં રોજ જાય છે.
નામ ન આપવાની શરતે એક યુવાન ડૉક્ટર આ અંગે કહે છે કે ‘ મારા પરિવારમાં મારા માતા-પિતા બીમાર છે… તેને નિયમિત દવા અને ભોજન મળે તે અમારી પારિવારિક જવાબદારી છે. પરિવારજનોને કોરોના ની ગંભીરતા ખબર છે એટલે તે લોકો સતત એવું ઈચ્છે છે કે તેમનો દીકરો કે દીકરી કે ભાઈ નોકરી ભલે જાય પરંતુ તે કોરોના હોસ્પિટલમાં ના જાય…” એમ તેઓ ઉમેરે છે…
અન્ય એક ડોક્ટર કહે છે કે ‘હું અને મારા પત્ની બંને આ વ્યવસાયમાં છીએ એટલે આ રોગની ગંભીરતાનનો પણ ખ્યાલ છે અને પરિવાર જીવન પણ મહત્વનું છે …પણ પારિવારિક ખુશીઓના ભોગે પણ અમે આ દર્દીઓની સેવા કરવાનો અભિગમ અપનાવ્યો છે…
એક મહિલા ડોક્ટર કહે છે કે ‘ મારે એક દીકરી છે જો કે તે મારા દીકરા કરતાં મોટી હોઇ વધુ સમજુ છે, તે પણ એના ભાઈ સાથે રમવામાં વ્યસ્ત રહીને તેને સમજાવે છે…” અત્રે ઉલ્લેખનીય છે કે આ તબીબો કોરોના વોર્ડમાં જઈને સતત દર્દીઓ સાથે વાતચીત કરે છે તેમની મુશ્કેલી સમજે છે.. તેમની કોઈ જરૂરિયાત હોય તો એ પણ પૂછે છે એટલું જ નહીં તેમની સાથે નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સેવકો પણ એટલી જ નિષ્ઠાથી આ કામ કરે છે.
અન્ય એક ડોક્ટર વધુમાં જણાવે છે કે ‘ હમણાં મારા દીકરાની વર્ષ ગાંઠ હતી… તેનો આગ્રહ હતો કે હું નોકરી પર ના જઉ… પણ અહીં કેટલાય દર્દીઓ રોજ અમારી રાહ જોતા હોય છે તેમની દવા અને સારવાર અન્ય સુવિધા નિયમિત મળે છે કે નહીં તે જોવાની પણ અમારી જવાબદારી છે ત્યારે દીકરાની વર્ષગાંઠના દિવસે ઘરે રહેવાને બદલે હોસ્પિટલમાં આવવાનું મુનાસિબ માન્યું …અને યોગાનુયોગ એ દિવસે મારે યોગાનુયોગ રાત્રે 11 વાગ્યા સુધી હોસ્પિટલમાં રોકાવું પડ્યું… મને દુઃખ થયું પરંતુ દર્દીઓની સેવા કર્યાનો સંતોષ હતો.. એ જ રીતે થોડા દિવસ પહેલા મારી મેરેજ એનિવર્સરી હતી એ દિવસે પણ પરિવાર નો આગ્રહ હતો કે હું ઘરે રોકાવું પણ ન રોકાયો પણ મારે મન આ દર્દીઓ ખૂબ મહત્ત્વના છે…” એમ તેઓ ઉમેરે છે…
કદાચ આવા મૂક સેવકોને કારણે છે ગુજરાત તેની સંસ્કારિતા ને બરકરાર રાખી રહ્યું છે… સલામ છે આવા ડોક્ટરોને…