પરિવાર અને સમાજના સધિયારાથી વંચિત ૩૨૦ બાળકોનું ઘર બન્યા છે : મા-બાપના ઘર જેવી સુરક્ષા હૂંફ અને ઉછેરની પ્રોત્સાહક સુવિધાઓ..
વડોદરા: ૧૪મી નવેમ્બરે રાષ્ટ્રીય બાળ દિવસ તો ૨૦મી નવેમ્બરે આંતરરાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી થાય છે જેનો આશય બાળકોની ઉચિત સાર સંભાળ, બાળ અધિકારો અને તેના રક્ષણ માટેની પારિવારિક અને સામાજિક જાગૃત્તિ કેળવવાની છે. બાળ સુરક્ષાની વાત કરીએ તો તેની શરૂઆત પોતાના ઘરથી થવી જોઈએ.
બાળકોને ઘરમાં સુરક્ષા અને હૂંફ મળે ત્યારે જ સમાજમાં સુરક્ષા અને હૂંફની તે અપેક્ષા રાખી શકે અને ત્યારે જ બાળકો પ્રત્યે કાળજી સભર, સુરક્ષિત અને આત્મીય સામાજિક વાતાવરણનું ઘડતર શરૂ થાય. એટલે જ રાજય સરકારે જિલ્લાસ્તરે બાળ સુરક્ષા એકમોની રચના કરી છે અને આ કાર્યની અગત્યતા જોતા જિલ્લા કલેકટરશ્રીઓને એનું વડપણ સોંપ્યું છે.
તેની સાથે વિવિધ પ્રકારના વંચિત બાળકોની યોગ્ય સાર સંભાળ લઈ શકાય એ માટે બાળ સંભાળ ગૃહોની સ્થાપના કરી છે જ્યાં આવા બાળકોને સુરક્ષા,સુવિધા અને હૂંફ આપવામાં આવે છે. પરિવાર અને સમાજના સધિયારાથી વંચિત ૨૩૮ છોકરા અને ૮૨ છોકરીઓ સહિત કુલ ૩૨૦ બાળકોનું ઘર બન્યા છે વડોદરા શહેર-જિલ્લાના ૧૧ બાળ સંભાળ ગૃહો. અહીં રાજ્ય સરકાર આ બાળકોની પાલક બનીને પૂરી પાડે છે. મા-બાપના ઘર જેવી સુરક્ષા હૂંફ અને ઉછેરની પ્રોત્સાહક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
રાજય સરકાર વંચિત અને હૂંફનો અભાવ અનુભવતા બાળકોની કાળજી લેવા તત્પર છે અને એની અનુભૂતિ કરાવતા વડોદરા શહેરમાં ૧૦ અને ગોરજ મુનિ આશ્રમ માં એક મળીને કુલ ૧૧ બાળ સંભાળ એકમો કાર્યરત છે
જેનું સંચાલન સંકલન જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કરવામાં આવે છે.આ બાળ સંભાળ ગૃહોમાં વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા, અનાથ, નિરાધાર, ત્યજાયેલા, વિખૂટા પડીને મળી આવેલા,કાયદા સાથે સંઘર્ષમાં આવેલા, જાતીય સતામણી પીડિત છોકરા છોકરીઓને વાલી બનીને સરકાર સાચવે છે અને હૂંફ આપે છે.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવાએ જણાવ્યું કે, આ સંસ્થાઓમાં આશ્રિત બાળકોને નિવાસ-ભોજન, વસ્ત્રો, શિક્ષણ, વિવિધ પ્રકારની તાલીમો, આરોગ્ય સંભાળ અને સુરક્ષા સહિતની સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. તાજેતરમાં જ આવી સંસ્થાઓના આશ્રિત બાળકો સાથે જિલ્લા કલેકટરશ્રી એ દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો.
વિવિધ સંસ્થાઓ અને દાતાઓના સહયોગ થી અંતેવાસી બાળકો માટે વિવિધ કાર્યક્રમો, ઉત્સવો અને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને આ બાળકો ઘરનો અભાવના અનુભવે, સુરક્ષિત રહે, ભણે અને યોગ્ય ઉછેર દ્વારા સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવા સક્ષમ બને એ પ્રકારની સમુચિત કાળજી બાળ સંભાળ સંસ્થાઓમાં લેવામાં આવી રહી છે. આંતર રાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણીને અનુલક્ષીને સંસ્થાના મકાનોને રંગબેરંગી વિદ્યુત દીપકો થી સજાવીને રોશની અને સજાવટ કરવામાં આવી છે.
સગા માબાપની ખોટ કોઈના પૂરી શકે પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા બાળ સુરક્ષા એકમો હૂંફ અને આશ્રયથી વંચિત બાળ ધનની વાલીની માફક સંભાળ લઈને એમના જીવનને ઉન્નતિની દિશા આપી રહ્યા છે એની નોંધ આંતરરાષ્ટ્રીય બાળ સુરક્ષા દિવસે અવશ્ય લેવી પડે.