પરિસ્થિતિ વિકટ, ગુજરાતની ગૌશાળા, પાંજરાપોળોને કાયમી સબ્સિડી આપો

પ્રતિકાત્મક
સમસ્ત મહાજનના ગિરીશભાઈ શાહની ગુજરાતના મુખ્ય પ્રધાનને અપીલ
“આપણે અભૂતપૂર્વ સંજોગોનો સામનો કરી રહ્યા છીએ. આ સંજોગો ક્યારે બદલાશે એનો કોઈને ખ્યાલ નથી. કોરોના ઉપરાંત આ સંજોગો માટે એ પહેલાંની આર્થિક મંદીએ પણ ખલનાયકની ભૂમિકા ભજવી છે. એવામાં અબોલ જીવોની રક્ષા કરવાનું કાર્ય આપણું છે.
રાજ્યની તમામ ગોશાળાઓ અને પાંજરાપોળોની દયનીય પરિસ્થિતિથી ગુજરાત સરકાર વાકેફ છે. સમસ્ત મહાજન વરસોથી આ સંસ્થાઓ સાથે નિકટતાથી કામ કરી રહી છે. અમને પણ પરિસ્થિતિનો ખ્યાલ છે. મૂંગા જીવોની રક્ષા કાજે અને ગૌશાળાઓ-પાંજરાપોળો નબળી પડીને, નિરાધાર થઈ અકાર્યક્ષમ ના થઈ જાય તે માટે એ તમામને કાયમી સબ્સિડી જાહેર કરવી એ તાતી જરૂરિયાત છે.
ગુજરાતના કાર્યદક્ષ અને જીવદયાપ્રેમી મુખ્ય પ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણીને મારી વિનમ્ર વિનંતી છે કે વિનાવિલંબે તેઓ ગૌશાળા- જરાપોળોમાં આશરો ધરાવતાં રાજ્યનાં આશરે ચાર લાખ પશુઓ માટે કાયમી સલ્બસિડીની ઘોષણા કરે.”
આ લાગણી અને શબ્દો છે સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહના. પોતાના વેપાર તથા મુંબઈ વસતા પરિવારને ઓછું પ્રાધાન્ય આપી હાલમાં તેઓ માનવીઓ તથા મૂંગા જીવોને કોરોનાના સંકટકાળમાં દિવસ-રાત મદદ કરી રહ્યા છે.
માર્ચ 2020ના લૉકડાઉનના સમયથી સંસ્થાના સંચાલકો તથા હજારો કાર્યકર્તાઓનું સુકાન કરતાં ગિરીશભાઈએ અનેક રાજ્યોમાં નિઃસ્વાર્થ સેવાના મોરચે દર્શનીય કાર્યો કર્યાં છે. સંસ્થા કંઈક વરસોથી ગોશાળાઓ અને પાંજરાપોળો સાથે ઘનિષ્ઠ ધોરણે કામ કરે છે. એટલે આ સંસ્થાઓની પરિસ્થિતિથી તેઓ સુપેરે વાકેફ છે.
કોરોના વાઇરસના ફેલાવાનું બીજું ચરણ બેહદ ઘાતક સાબિત થઈ રહ્યું છે ત્યારે ગિરીશભાઈ સમક્ષ અનેક ગૌશાળાઓ તથા પાંજરાપોળોની તકલીફો અને જરૂરિયાતોની સવિસ્તર વિગતો આવી રહી છે. એને ધ્યાનમાં રાખીને ગિરીશભાઈએ આ મંતવ્ય વ્યક્ત કર્યું છે. તેઓ વિજયભાઈ રૂપાણીની કામગીરી તથા તેમના કરુણાભાવથી બેહદ પ્રભાવિત છે,
“ગયા વરસે ગુજરાત સરકારે ગૌશાળાઓ તથા પાંજરાપોળો માટે અવારનવાર સબ્સિડી જાહેર કરી હતી. એ સબ્સિડી વિના આ સંસ્થાઓના શા હાલ થાત એ વિચાર પણ કંપારી કરાવનારો છે. મારી વિજયભાઈને અરજ છે કે તેઓ ગૌશાળાઓ-પાંજરાપોળો માટે કાયમી સબ્સિડી જાહેર કરે. એ સિવાય આ સંસ્થાઓ અબોલ જીવોના ચારાપાણીથી લઈ નિભાવ સુધીના દરેક મોરચે અપરંપાર પડકારોનો સામનો કરતા તૂટી જાય તેવી ભીતિ છે.”
ગિરીશભાઈના મત અનુસાર ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુદીઠ દૈનિક રૂપિયા પચાસ સબ્સિડી તરીકે મળવા જોઈએ. આ રકમ રાજ્યની તમામ ચેરિટેબલ રજિસ્ટર્ડ ગૌશાળાઓ તથા પાંજરાપોળોને મળવી જોઈએ. ગિરીશભાઈ ઉમેરે છે, “આ સંકટકાળમાં આખા દેશમાં જીવદયાના મામલે ગુજરાત સરકાર જેવાં કાર્યો ભાગ્યે જ કોઈ રાજ્યે કર્યાં હશે.
એ વાત ગૌરવ લેવા જેવી છે. હવે જોકે એનાથી એક ડગલું આગળ વધીને આ સંસ્થાઓને મજબૂત આધાર પૂરો પાડવાની ઘડી આવી પહોંચી છે. પશુધનનું ભરણપોષણ સુનિશ્ચિત કર્યા વિના આપણે માનવીઓ પણ સુખચેનભરી જિંદગી જીવી શકીએ નહીં. આપણું અબોલ જીવો પર ખાસ્સું અવલંબન છે.
આપણા ધર્મ પણ જીવદયા અને કરુણાનું અનુસરણ કરવાનો બોધ આપે છે. સામાન્ય સંજોગોમાં અનેક ગૌશાળાઓ અને પાંજરાપોળોના નિભાવમાં દયાવાન દાતાઓ અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. અત્યારે જોકે લાખો વેપારીઓ પોતે આર્થિક સંકડામણનો ભોગ બન્યા હોવાથી સંસ્થાઓને મળતા દાનનો પ્રવાહ સુકાઈ ગયો છે. એવામાં આ સંસ્થાઓના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થચિહ્ન મુકાઈ જાય તેવી હાલત છે. સરકાર જો પશુદીઠ દૈનિક પચાસ રૂપિયા લેખે મદદ કરે તો આ સંસ્થાઓને ખાસ્સી રાહત રહેશે અને અબોલ જીવો ટકી જશે.”
ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુદીઠ દૈનિક સો રૂપિયાથી વધુ ખર્ચ થાય છે. દાન વિના આ ખર્ચને પહોંચી વળવું તેમના માટે લગભગ અશક્ય થઈ રહ્યું છે. કોરોનાને લીધે વધેલા પડકારોમાં પશુચારાના પુરવઠાની અનિશ્ચિતતા અને તેના વધ્યા ભાવ પણ સામેલ છે. એટલે જ, ગુજરાત સરકાર જો પડખે ઊભી રહે તો મામલો સચવાઈ જાય.
ગિરીશભાઈ અંતમાં ઉમેરે છે, મને ગુજરાત સરકાર અને વિજયભાઈ બેઉમાં અપાર શ્રદ્ધા છે. અબોલ જીવો માટે તાત્કાલિક ધોરણે કાયમી સબ્સિડી જાહેર થાય તો મારા મતે એ જીવદયા અને માનવતા બેઉની દૃષ્ટિએ એક આશીર્વાદરૂપ નિર્ણય ગણાશે.”