પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજયામાં ઝેરોક્ષ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ

પ્રતિકાત્મક તસવીર
વિદ્યાર્થીઓ સાથે કોઇ પણ ઇલેકટ્રોનીક સાધન લઇ જઇ શકશે નહી
દાહોદ, દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષા તા. ૦૫-૦૩-૨૦૨૦ થી તા. ૨૧-૦૩-૨૦૨૦ દરમ્યાન જુદા જુદા કેન્દ્રો ખાતે યોજાશે. આ પરીક્ષાને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ.જે.દવે દ્વારા તા. ૨૫-૦૨-૨૦૨૦ ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષા દરમીયાન ઝેરોક્ષ સેન્ટરના સંચાલકો દ્વારા ઝેરોક્ષ મશીનનો દૂરઉપયોગ રોકવાના હેતુસર દાહોદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ.જે.દવે દ્વારા પ્રતિબંધિત હુકમ બહાર પાડવામાં આવ્યો છે.
તદ્નનુસાર તા. ૦૫-૦૩-૨૦૨૦ થી તા. ૨૧-૦૩-૨૦૨૦ સુધી સવારના ૯.૦૦ કલાક થી સાંજના ૧૯.૦૦ કલાક સુધી ગેરરીતિઓ અટકાવવા સારૂ ઝેરોક્ષ મશીનો, કોપીયર મશીનનો ઉપયોગ સદંતર બંધ રાખવા હુકમ કરવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રોની આજુ બાજુ ૨૦૦ મીટરની ત્રિજયામાં આવેલા ઝેરોક્ષ, કોપીયર મશીનના સંચાલકોએ આ હુકમનો અમલ કરવાનો રહેશે.
પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા સમયે પ્રશ્નપત્રને લગતું કોઇ પણ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિઝિટલ ઘડીયાલ, કે અન્ય કોઇ પણ પ્રકારના ઇલેકટ્રોનીક સાધનના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી આવા સાધનો કે સાહિત્ય લાવી શકાશે નહી. પરંતુ સાદું કેલ્ક્યુટલેટર લઇ જઇ શકાશે.
આ હુકમ સરકારી કચેરીઓના ઝેરોક્ષ મશીનોને લાગુ પડશે નહી. પોલીસ કર્મચારીઓએ પરીક્ષા ખંડની અંદર પ્રવેશ કરી શકશે નહી. આ હુકમનું ઉલ્લધન કરનાર ઇસમ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.