પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યકિતોએ એકઠા થવા પર પ્રતિબંધ
અમદાવાદ શહેરમાં ગુજકેટની પરીક્ષાને અનુલક્ષીને શહેર પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું
આગામી તા.૦૬/૦૮/૨૦૨૧ ના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ શહેર દ્વારા ગુજરાત કોમન, એન્ટ્રરન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૧ ની પરીક્ષા લેવાનાર છે આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે,
પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક ગુંડાતત્વો એકઠા થઈ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ તરફથી એક જાહેરનામા દ્વારા તા.૦૬/૦૮/૨૦૨૧ ના રોજ સવારના ૧૦-૦૦ કલાકથી સાંજના ૧૬-૦૦ કલાક દરમિયાન પરીક્ષા માટેના જુદાજુદા કેન્દ્રો ઉપર કેટલાક પ્રતિબંધ ફરમાવ્યા છે.
આ જાહેરનામામાં જણાવ્યા મુજબ અમદાવાદ શહેર ખાતેના નિયત કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રો ઉપર આગામી તા.૦૬/૦૮/૨૦૨૧ ના રોજ સમય બપોરના ૧૦-૦૦ ક્લાકથી ૧૬-૦૦ કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલા તમામ ઝેરોક્ષ/ફેક્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને ઝેરોક્ષ તેમજ ફેક્સ મશીનના ઉપયોગ પર, મોટા અવાજે લાઉડ સ્પિકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર,
પરીક્ષા કેન્દ્રોમાં મોબાઈલ લઈ જવા પર, પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર તેમજ પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યકિત સિવાય કોઈ અનઅધિકૃત વ્યકિતને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.