પરીક્ષા મુદ્દે રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓની અટકાયત
અમદાવાદ: બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે રજૂઆત કરવા ગાંધીનગર ખાતે પહોંચેલા સેંકડો ઉમેદવારો અને તેમને સમર્થન આપનાર કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતની આજે પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી અને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવાયા હતા.
જેના કારણે સમગ્ર રાજકારણ ગરમાયું હતું. ઉમેદવારોએ સરકાર વિરોધી જારદાર સૂત્રોચ્ચાર લગાવી પરીક્ષા રદ કરવા ઉગ્ર માંગણી કરી હતી તો, કોંગ્રેસે પણ ઉમેદવારોની આ લડતને સમર્થન પૂરું પાડયું હતું. ઉલ્લેખનીય છે કે, બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ થયાનો આક્ષેપ કોંગ્રેસે સીસીટીવી ફુટેજીસ જાહેર કરી નકકર પુરાવા સાથે કર્યો હતો. જ્યારે આ મામલે પરીક્ષા આપનાર ઉમેદવારોએ પણ સમગ્ર બનાવને ખુલ્લો પાડ્યાનો દાવો કર્યો હતો. ત્યારે રાજ્યભરના સેંકડો ઉમેદવારો આજે ગાંધીનગર કર્મયોગી ભવન ખાતે સરકારના સત્તાધીશોને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
જો કે, પોલીસે ૪૫૦થી વધુ રજૂઆત કરવા ગયેલા ઉમેદવારોની અટકાયત કરી હતી. તાજેતરમાં યોજાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના મામલે મહેસાણા, પાટણ, રાજકોટ, વડોદરા, ભરૂચ સહિતના વિસ્તારના ૪૫૦થી વધારે ઉમેદવારો ગાંધીનગર રજૂઆત કરવા જતા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરાઈ હતી. તમામને બસમાં બેસાડીને હેડ ક્વાર્ટર લઈ જવાયા હતા.
પોલીસ તેમની વિરૂધ્ધ જાહેરનામા ભંગ બદલ અટક કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તો, સેંકડો ઉમેદવારોના સમર્થનમાં ઉતરી આવેલા પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની પણ પોલીસે અટકાયત કરી હતી, જેને પગલે સમગ્ર રાજકારણ ગરમાયું હતું.
ઉમેદવારોએ પોલીસના વલણ પરત્વે ભારોભાર નારાજગી અને આક્રોશ વ્યકત કર્યો હતો અને સરકાર વિરોધી જારદાર નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કર્મયોગી ભવનમાં આઈકાર્ડ વગર કોઈને પ્રવેશવા દેવાતા નથી. આજે અગમચેતીના પગલારૂપે સંકુલની ફરતે ૭૫૦ પોલીસ કર્મીઓનો કાફલો ખડકી દેવાયો હતો.
રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ગાંધીનગર રજૂઆત કરવા પહોંચેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરવાની શરૂઆત કરતા ગાંધીનગર રજૂઆત ઉમેદવારોમાં દોડધામ મચી હતી. પોલીસ અટકાયતથી બચવા માટે જ્યાં જગ્યા મળી ત્યા દોડતા દેખાયા હતા.
જ્યારે ભાગતા ઉમેદવારોને પોલીસે દોડાવી દોડાવીને પકડ્યા હતા. જેને લઇને ઉમેદવારો અને કોંગ્રેસના નેતાઓએ ભારે આક્રોશ વ્યકત કરી પોલીસની સરકારના ઇશારે દમનકારી નીતિનો વિરોધ કર્યો હતો.