પરીક્ષા લેવાઈ હોત તો વધુ ટકાવારી આવી હોત, મહેનત કરી હતી : વિદ્યાર્થીઓ
અમદાવાદ: ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું છે. જેવી રીતે ધોરણ ૧૦નું પરિણામ જાહેર થયું હતું એ જ ફોર્મેટમાં આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓમાં ખુશી તો કેટલાકને અપેક્ષા પ્રમાણે પરિણામ નહીં મળતાં તેઓ નિરાશ જાેવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે પરિણામ અંગે સરકારે જે ફોર્મેટ જાહેર કર્યું એનાથી પરિણામ માટે અંદાજ હતો.
પરિણામ અંગેનું ફોર્મેટ શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ જાહેર કરવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓને પરિણામ અંગે અંદાજ હતો, પરંતુ આજે સત્તાવાર પરિણામ જાહેર થયું છે, જેથી વિદ્યાર્થીઓ પરિણામની કોપી લેવા માટે સ્કૂલ પર પહોંચ્યા હતા. નારાણપુરમાં આવેલી વિજયનગર સ્કૂલમાં સવારે ૮ વાગે પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ સ્કૂલે પરિણામ મેળવવા પહોંચ્યા હતા. પરિણામ હાથમાં આવતાં કેટલાક વિદ્યાર્થીઓ ખુશ દેખાયા હતા તો કેટલાક નિરાશ દેખાયા હતા. વિદ્યાર્થીઓની અપેક્ષા પ્રમાણે પરિણામ ના આવતાં તેઓ નિરાશ જાેવા મળ્યા હતા.
હર્ષ મકવાણા નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે એકંદરે પરિણામ સારું આવ્યું છે, પરંતુ જેવી અપેક્ષા હતી એ પ્રમાણે નથી આવ્યું. માસ પ્રમોશનને કારણે પરિણામ પર અસર પડી છે. પરીક્ષા યોજાઈ હોત તો પરિણામ સારું આવ્યું હોત. મયંક નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે માટે ૭૫ ટકા આવ્યા છે. પરીક્ષા લેવાઈ હોત તો વધારે ટકાવારી આવી હોત. મહેનત હતી, જેથી પરિણામ સારું આવે એવી આશા હતી. રોજ ૫થી ૬ કલાક સુધી મહેનત કરી હતી, એ મુજબ પરિણામ આપ્યું નથી. હેલી પટેલ નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે અમે મહેનત તો કરી હતી, પરંતુ કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. અપેક્ષા પ્રમાણે પરિણામ આવ્યું છે. પરિણામથી હું ખુશ છું અને હવે આગળ જઈને આ પ્રમાણે જ મહેનત કરીને આગળ વધીશ.