પરીણિતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા સામે ફરિયાદ
અમદાવાદ: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એક પોલીસ સ્ટેશનમાં મહિલાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. તેણે આક્ષેપ કર્યો છે કે તેના સાસરિયાઓને ઓસ્ટ્રેલિયા જવું હતું અને તે માટે તેની પાસે પૈસા માંગતા હતા.
પરંતુ આ મહિલાએ પિયરમાંથી પૈસા ન લાવવાનું કહેતાં સાસરિયાઓ આવેશમાં આવી ગયા હતા અને તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં આ સાસરિયાઓએ પુત્રવધૂને નખ્ખોદિયાની દીકરી હોવાનું કહી ત્રાસ ગુજારતા આખરે કંટાળીને મહિલાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
નરોડામાં રહેતી ૨૬ વર્ષીય યુવતી એનિમેશનનો અભ્યાસ હાલ કરી રહી છે અને એક વર્ષથી તેની માતા અને માસી સાથે રહે છે. તેના પિતાનું વર્ષ ૨૦૦૪માં નિધન થયું હતું અને આ યુવતીના માતાએ બચતના રૂપિયા ભેગા કરી તેના વર્ષ ૨૦૧૮માં લગ્ન કરાવી આપ્યા હતા. લગ્ન બાદ આ યુવતી નિકોલ ખાતે તેના સાસરે રહેવા ગઈ હતી. બાદમાં સાસરિયાઓને ઓસ્ટ્રેલિયા જવાનું હોવાથી બેન્ક બેલેન્સ બતાવવા પુત્રવધૂને પિયરમાંથી ૫૦ લાખ લાવવા કહ્યું હતું. જાેકે, આ યુવતીએ કહ્યું કે, તેના પિતા નથી તો તે આટલા રૂપિયા લાવી શકે તેમ નથી.
છતાંય આ યુવતીની સાસુ, સસરા અને નણંદએ ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું અને વિદેશ જવા ૫૦ લાખ માંગ્યા હતા. આટલું જ નહીં પોતાને પતિ પાસે વિદેશ જવું છે તેવું કહેતા તમામ લોકોએ તેને ત્રાસ આપ્યો હતો. સાસરિયાઓએ ભેગા મળી આ યુવતીને નખ્ખોદિયાની દીકરી કહી અપમાન કર્યું હતું. આખરે કંટાળીને આ યુવતીએ તેના પતિ, સાસુ સસરા અને નણંદ સામે ફરિયાદ આપતા નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.