પરેશ ધાનાણીએ મીડિયામાં પ્રસિદ્ધિ માટે આક્ષેપો કર્યા છે : જાડેજા

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં ટેબ્લેટ ભ્રષ્ટાચાર મુદ્દે થયેલો વિવાદ વકરતો જાય છે, આજે પણ વિપક્ષ દ્વારા ટેબ્લેટ ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને ગૃહમાં પસ્તાળ પાડી હતી. બીજીબાજુ, સત્તાધારીપક્ષ ભાજપે ૧૪૦૮ રૂપિયામાં ટેબ્લેટ મળે છે કે નહીં તેનો ખુલાસો માંગ્યો હતો. ખાસ કરીને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિપક્ષ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે, મીડિયામાં સસ્તી પ્રસિધ્ધિ માટે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભ્રષ્ટાચારના ખોટા આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, પરેશ ધાનાણી વિપક્ષ નેતા છે અને તેમણે માત્ર મીડિયામાં પ્રસિધ્ધિ મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીની વિજય રૂપાણીની સરકારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે, જે કોઇપણ રીતે યોગ્ય કે વાજબી ના કહી શકાય.
પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટેબ્લેટની ખરીદી કરવામાં આવી છે તેમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એવા આક્ષેપો કર્યા છે અને મુખ્યમંત્રીએ આક્ષેપોને ુપુરવાર કરવા જોઈએ તેમ કહ્યું છે પરંતુ વિપક્ષ નેતાએ છેલ્લા ૩ દિવસથી આ ચર્ચાના સમર્થનમાં કોઈપણ પ્રકારના આક્ષેપો પુરવાર કરવા માટે યોગ્ય માહિતી પૂરી પાડી નથી તે જ ગંભીર પ્રશ્નાર્થ જન્માવે છે.
ગઈકાલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ સરકાર સામે પુરાવા વગરના આક્ષેપ કરે તો તેમને ઠપકો આપવો જોઈએ તેની અધ્યક્ષ સમક્ષ દરખાસ્ત કાઢી હતી. જેને વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે રજૂઆત કરી હતી કે, હાલ અમને સમય આપે, જેથી મુખ્યમંત્રીએ ગઈકાલ સાંજ સુધી જરૂરી હકીકતો પૂરી પાડવા સમય આપ્યો હતો.
આજે મુદ્દો વિધાનસભામાં અમે ફરીથી ઉપસ્થિત કર્યો હતો. અમારુ સ્પષ્ટ માનવું છે કે કોઈ ભળતા કાન ભળાવી જાય અને સરકારની છબી બગાડવા જુઠ્ઠા આક્ષેપો કર્યા છે. તેના કોઈપણ પુરાવા સમર્થન આપ્યા નથી. પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, અમે ફરી વિધાનસભા અધ્યક્ષને માંગ કરી છે કે, આગામી દિવસો ગુજરાત વિધાનસભામાં આવા કોઈપણ પ્રકારના આધારભૂત સિવાયના આક્ષેપો વિપક્ષના નેતા દ્વારા કરવામાં આવે નહી.
અમે જે દરખાસ્ત કરી હતી એમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ અમારી માંગ સાથે અને વિધાનસભાના નિયમો મુજબ ચાલે છે એમાં તેમની સંમતિ આપી હતી અને કોઈપણ સભ્ય ભ્રષ્ટાચારના વાહીયાત આક્ષેપો કરતા પહેલા તેના આધાર પુરાવા રજૂ કરવા જોઈએ અને આવા અસત્ય અને જૂઠાણાં ગુજરાત વિધાનસભાની અંદર ના કહેવા જોઈએ એવું અમે સૂચન કર્યું હતું. જેને ધ્યાનમાં લઇ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ વિપક્ષ નેતાને આ સમગ્ર મામલે માર્મિક ટકોર કરી હતી.