પરેશ ધાનાણી આજે થરાદમાં ચૂંટણી સભા યોજશે
ઘેર-ઘેર જઇને મતદારોને રિઝવવાના પ્રયાસો
અમદાવાદ, ગુજરાતમાં છ સીટો ઉપર યોજાનાર પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી છે. પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા જાવા મળી રહી છે. મતદારોને પ્રભાવિત કરવા માટે તમામ પ્રયાસો થઇ રહ્યા છે. અમરાઈવાડી, રાધનપુર, થરાદ, બાયડ, લુણાવાડામાં સભાઓનું આયોજન થઇ રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ પણ આ વખતે તાકાત લગાવી દીધી છે.
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી છથી વધુ ચૂંટણી સભાઓ યોજી રહ્યા છે. આવતીકાલે પરેશ ધનાણી થરાદમાં સભાઓ કરનાર છે.
અમરાઈવાડી, રાધનપુરમાં સભાઓ યોજ્યા બાદ પરેશ ધનાણી આવતીકાલે થરાદમાં સભા યોજશે. ત્યારબાદ ગુરુવારના દિવસે બાયડમાં, ૧૮મી ઓક્ટોબરના દિવસે પણ સભા કરશે. શનિવાર અને શુક્રવારના દિવસે પણ તેમના કાર્યક્રમો રહેલા છે.
અમદાવાદની અમરાઈવાડી વિધાનસભા ક્ષેત્રમાં પણ જારદાર કાર્યક્રમોનો દોર ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને ભીંસમાં લેવાના પ્રયાસો કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહ્યા છે.
બીજી બાજુ પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી છે. પેટાચૂંટણીમાં કોની પાસે કેટલી સીટો આવશે તેને લઇને બંને પાર્ટીઓ આશાવાદી દેખાઈ રહી છે. રાધનપુર વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે રાજ્યના ટોચના સ્થાનિક નેતાઓ પહોંચી રહ્યા છે.
બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પણ પાછળ નથી. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મોદીની સુનામી હેઠળ ગુજરાતમાં સતત બીજી વખત ભારતીય જનતા પાર્ટીએ તમામ ૨૬ બેઠકો જીતી હતી ત્યારબાદ ચૂંટાયેલા સભ્યો તરફથી કેટલીક સીટો પરથી રાજીનામા આવ્યા બાદ આ પેટાચૂંટણી યોજાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડા પાડીને કેટલીક સીટો જીતવા માટે આશાવાદી છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો દેખાવ સારો રહ્યો હતો જેથી પ્રચારમાં તાકાત લગાવી છે.