Western Times News

Gujarati News

પર્યાવરણ મિત્ર બાળકોએ ઉજવ્યો આંતરરાષ્ટ્રીય જળ પ્લાવિત વિસ્તાર દિવસ

(માહિતી) વડોદરા, ૧૯૭૧ માં ઈરાનના રામસર ખાતે મળેલા સંમેલનમાં નક્કી થયાં પ્રમાણે દર વર્ષે બીજી ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય જળ પ્લાવિત દિવસ – ઇન્ટર નેશનલ વેટલેન્ડ ડે ઉજવવામાં આવે છે.

શહેરને અડીને આવેલા ભાયલીમાં વણકરવાસ ના પર્યાવરણ મિત્ર બાળકોએ પ્રકૃતિ પ્રેમના સંસ્કારોનું સિંચન કરતાં તેમના માર્ગદર્શક હિતાર્થ પંડ્યા સાથે જાેડાઈને,ભાયલી ના ગામ તળાવનું,પુરોહિતો દ્વારા જળ દેવના આહવાહક પવિત્ર મંત્રોચ્ચાર મધ્યે શાસ્ત્રોક્ત પૂજન,અર્ચન,આરતી કરીને અને જળ દેવતા ને શ્રીફળ પ્રસાદ થી વધાવીને

આ દિવસની અનોખી ઉજવણી કરવાની સાથે આ પ્રકારના જળ ભંડારો ના રક્ષણમાં યોગદાન આપવાના શપથ લીધાં હતાં.તેમના માતાપિતા આ પૂજનમાં તેમની સાથે રહ્યાં હતા અને દેશની વિવિધ પવિત્ર નદીઓના પાણી વડે જળદેવતાનું તર્પણ કરવામાં આવ્યું હતું.

બાળકોએ પક્ષીઓને સમર્પિત નૃત્ય પ્રસ્તુત કરીને તેમનો આનંદ વ્યક્ત કર્યો હતો અને તળાવોને, જળ ભંડારો ને સિમેન્ટના કાટમાળ,કચરો પૂરીને મારી નાંખવાને બદલે તેમને સ્વચ્છ રાખીને સાચવીએ એવો ચોટદાર સંદેશ આપ્યો હતો. અમારા બાળકોની આ નવી પહેલ છે

તેવી જાણકારી આપતાં હિતાર્થ પંડ્યાએ જણાવ્યું કે આ બાળકોએ આ તળાવને સ્વચ્છ કરવામાં યોગદાન આપ્યું છે અને અહીં પક્ષીઓનું નિરીક્ષણ કરીને તેઓ વિવિધ પક્ષીઓને ઓળખતા થયાં છે.આ તળાવ એમના માટે પર્યાવરણની પાઠશાળા બની ગયું છે.

વેટલેન્ડ કે જળ પ્લાવીત વિસ્તાર એટલે સાદી ભાષામાં ખૂબ ઊંડું ન હોય તેવું છીછરું પાણી,દલદલ અને વનસ્પતિની ઝાડીઓ ધરાવતો જળ વિસ્તાર. આ વિસ્તારમાં જળ જીવો, જિવચરો,વનસ્પતિ સહિત સજીવ સૃષ્ટિની વિશેષતા જાેવા મળે છે જે પક્ષીઓ માટે પોષક હોવાથી યાયાવર અને સ્થાનિક પક્ષીઓની વિવિધતાનું તે કેન્દ્ર બની જાય છે.

વડોદરા જિલ્લો ડભોઇ નજીક આવેલા વઢવાણા સિંચાઇ તળાવના રૂપમાં ખૂબ સમૃદ્ધ વેટલેન્ડની પર્યાવરણ ની દૃષ્ટિએ અણમોલ સંપદા ધરાવે છે.ગયા વર્ષે તેને રામસર સાઈટ તરીકે આંતરરાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય જલ પ્લાવિત વિસ્તાર દિવસે નોંધ લેવા જેવી બાબત એ છે કે ગુજરાતના કુલ વિસ્તારના ૧૭.૫૬ ટકા વિસ્તારમાં વેટલેન્ડ છે.ગુજરાતના વેટલેન્ડ દરિયા કિનારે છે,સિંચાઇ તળાવો અને બંધોની આસપાસ છે,રણમાં છે અને જંગલોમાં ય છે. ભારત સરકારે જાહેર કર્યા હોય એવા ૮ રાષ્ટ્રીય અગત્યના વેટલેન્ડ થી ગુજરાત સમૃદ્ધ છે.જામનગર પાસેના ખીજડીયા નો ભારત સરકારે આજે રામસર સાઈટમાં ઉમેરો કર્યો છે.

રાજ્યના વિખ્યાત પક્ષી તીર્થ નળ સરોવરનો ૨૦૧૨ માં રામસર સાઈટ માં સમાવેશ કરવામાં આવ્યો તે પછી ૨૦૨૧ માં મહેસાણા પાસેના થોળ અને વડોદરાના વઢવાણા જળાશય ને આ પ્રતિષ્ઠિત ઓળખ મળી. રાજ્યમાં ૧૨૦૦ જેટલા વેટલેન્ડ વન વિભાગ ના રક્ષણ હેઠળ છે.વડોદરા જિલ્લામાં વઢવાણા ઉપરાંત ટીંબી તળાવ,પાદરા અને અન્ય તાલુકાઓ ના નાના નાના તળાવો વેટલેન્ડ તરીકે અગત્યના છે.

આ વિસ્તારો પર્યાવરણ ની રીતે ખૂબ અગત્યના છે.તે જળચક્ર નો ભાગ છે,તેના થી વરસાદી પાણી જમીનમાં ઉતરતા ખારાશ ઘટે છે,વાતાવરણમાં કાર્બન અને નાઈટ્રોજન ની સમતુલા જળવાય છે,આમ આ વિસ્તારો પ્રકૃતિ માટે આશીર્વાદ રૂપ છે એટલે તેમની અવગણના ના કરતા તેમને સાચવવાની જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.