પર્યુષણ પર્વનો સાતમો દિવસ – આખું વર્ષ બધા માટે સ્નેહભાવ રાખો
પયુર્ષણ પર્વમાં આજે આપણે પ્રભુ મહાવીરનો સાધનાકાળ અને તેના પરિપાકરૂપે કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ અને નિર્વાણની કથાની વાત કરીએ. સાડા બાર વર્ષની ઘોર તપસ્યા અને ધ્યાનસાધના દરમિયાન અનેક ઉપસર્ગો આવ્યા. પરંતુ તે દરમિયાન તેઓ શાંત હતા, પ્રશાંત હતા, ઉપશાંત હતા. પ્રભુની ઉંમર ૨૮ વર્ષ થઈ. માતા-પિતાનો સ્વર્ગવાસ થયો ત્યારબાદ તેમના જીવનમાં વૈરાગ્યનો ઉદધિ ઉછળવા લાગ્યો.
પ્રભુ જન્મથો વૈરાગી જન્મ્યા હતા પણ ભાઈ નંદિવર્ધનના આગ્રહો પ્રભુ બે વર્ષ સુધી ગૃહવાસમાં રહીને પણ સાધુ જેવું જીવન જીવતા હતા. છેલ્લે નવ લોકાન્તિક દેવોએ પ્રભુને તીથ પ્રવર્તાવવાની વિનંતી કરી ત્યાર પછી તેમણે વરસીદાન કર્યું અને સંયમજીવન સ્વીકાર્યું. દુઃખો અને આપત્તિઓનો તેમણે હસતે મુખે સ્વીકાર કર્યો અને અંતે જંભિક ગામમાં ઋજુવાલિકા નદીના કિનારે શાલ વૃક્ષની નીચે વૈશાખ સુદ દસમના દિને કૈવલ્યજ્ઞાનનો સૂરજ ઝળહળી ઊઠયો.
સંસારના જીવોને દુઃખ અને દોષોમાંથો ઉગારવા તેમ જ શાશ્વત સુખના ભોકતા બનાવવા માટે પ્રભુએ ઉપદેશની સરવાણી વહાવી અને મોક્ષમાર્ગ ખોલી આપ્યો. સાધુ-સાધ્વી, શ્રાવક- શ્રાવિકા એમ શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. તેની ધૂરા આચાર્ય ભગવંતોના હાથમાં સોંપી. આત્મકલ્યાણક માટે તલસતા સૌ કોઈ માટે આ સંઘના દરવાજા ખુલ્લા હતા,
પ્રભુ મહાવીરના ઈન્દ્રભૂતિ આદિ અગિયાર ગણધરો હતા. ચૌદ હજાર સાધુઓ અને છત્રીસ હજાર સાધ્વીઓ તથા એક લાખ ઓગણ સાઈઠ હજાર શ્રાવકો અને ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓ હતી. ત્રીસ વર્ષ સુધી તેઓએ ઉપદેશની સરવાણી વહાવી અને બોંતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને પ્રભુ મહાવીર પાવાપુરીજી ખાતે નિર્વાણ પામ્યા.
ધરતી પર અંધકાર છવાયો. ભાવપ્રકાશ ચાલ્યો ગયો એટલે દ્રવ્યપ્રકાશ માટે લોકોએ દીવા પ્રગટાવ્યા અને દિવાળીનું પર્વ લોકહૃદયમાં સ્થાન પામ્યું.
પ્રભુ મહાવીરની જીવનકથા શીખવે છે કે સ્વીકાર કરો, સહન કરો અને શાંત રહો. પૂર્વજનીક કર્મોનો ક્ષય કરી દરેક આત્મા – પરમાત્મા બની શકે છે. પ્રભુ મહાવીરના સત્યાવીસ ભવોનું જીવન એ પતન અને ઉત્થાનની કથા છે. પ્રચંડ પુરુષાથ દ્વારા પ્રાપ્ત કરેલ પરમસિદ્ધિની કથા છે. લેખક : શ્રી અતુલકુમાર વ્રજલાલ શાહ (સીએ)