પલસાણામાં ગટર સાફ કરવા જતા ગૂંગળાઈ જવાથી બે મજૂરનાં મોત
સુરત, સુરત જિલ્લાના પલસાણામાં ચલથાણ ગામે સંજીવની હોસ્પિટલની સામે આવેલ રેસિડેન્સી કોમ્પલેક્ષના ઓટીએસમાં આવેલ સંડાસ બાથરૂમની ચોક-અપ ગટર સફાઈ કરવા સાળા બનેવી સફાઈ કર્મી ગટરોમાં ઉતર્યા હતા જયાં તેઓ ગૂંગળાઈ જતા બેભાન થઈ પડી ગયા હતા જેથી બંનેને સારવાર અર્થે ખસેડાતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
બિલ્ડીંગની ગટર સાફ કરવા કેમિકલ ગટરમાં રેડ્યું અને કેમિકલનો ધુમાડો શ્વાસમાં જતા બેના મોત નીપજયું હોવાની શકયતા સેવાઈ રહી છે.
પલસાણાના ચલથાણ ગામે સંજીવની હોસ્પિટલની સામે ને.હા. ૪૮ ને અડીને આવેલા સત્યમ કોમ્પલેક્ષની વચ્ચે બનાવેલા ઓ.ટી.એસ બિલ્ડીંગની સંડાસ બાથરૂમની મુખ્ય ગટર આવેલી છે જે થોડા દિવસોમાં સફાઈ કરવા માટે બિલ્ડર બહારથી મજૂર મગાવી સફાઈ કરાવે છે.
ગત સોમવારના રોજ મોડી સાંજે આ ગટર સફાઈ માટે બિલ્ડરે પ્રમોદભાઈ રાજુભાઈ તેજી અને તેના બનેવી વિશાલ નામદેવ પોળ નાઓને બોલાવ્યા હતા. મોડી સાંજે ૭.૩૦ અરસામાં બંને આવ્યા હતા અને સફાઈ માટે જરૂરી કેમિકલનો ડબ્બો અને સળિયો લઈ ઓ.ટી.એસ.માં રહેલી ગટરની સફાઈ કરવા ઉતર્યા હતા ગટરમાં ગૂંગળામણને કારણે બંને સફાઈ કર્મી બેભાન થઈ ઢળી પડયા હતા.