પલાયન કરીને બિહાર ગયેલા મજૂર પરત પંજાબ તરફ વળ્યા
બેકારીથી કંટાળ્યાઃ રોજીરોટી કમાવવા પરત જઈ રહ્યા છે
પટણા, તમને આશ્ચર્ય થશે પણ એક મહિનાથી ઓછા ગાળામાં વતન બિહારમાં રોકાયા પછી મજૂરો પાછા પંજાબ જઈ રહ્યા છે. એક વખતે લોકડાઉનમાં ફસાયેલા આ મજૂરો દેશમાં સૌનું ધ્યાન બન્યા હતા. કોરોના વાયરસનો કહેર અને લોકડાઉન દરમિયાન દેશના જુદાં જુદાં રાજ્યોમાં મોટીસંખ્યામાં ફસાયેલા મજૂરો અને કામદારોનો વિવાદ ચર્ચાની એરણે રહ્યો હતો. લોકડાઉનના લગભગ દોઢ માસ બાદ કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડવવામાં આવી હતી. જેના માધ્યમથી તેમની વતન વાપસી કરાઈ હતી. હાલમાં પણ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન થઈ રહ્યું છે. ત્યારે બિહારમાં એકવાર ફરીથી રોજીરોટી કમાવવા મોટીસંખ્યામાં મજૂરો પંજાબ જઈ રહ્યા છે.
બિહારમાં મજૂરોનું પલાયન ફરીથી શરૂ થયુ છે. રાત્રિના અંધકારમાં તેમને બિહારથી પંજાબ લઈ જવામાં આવી રહ્યા છે. તેના માટે પંજાબથી વિશેષ બસોની વ્યવસ્થા કરાઈ છે. બિહારના સમસ્તીપુરમાંથી મજૂરોના પલાયનનો એક વિડિયો પણ વાયરલ થયો છે. વતનથી પરત પંજાબ જતાં મજૂરો કહી રહ્યા છે કે અમે કમાણી નહીં કરીએ તો શું ખાઈશું.
બીજીબાજુ મુખ્યમંત્રી નિતીશકુમાર એવો દાવો કરી રહ્યા છે કે રાજ્યમાં પરત ફરેલા મજૂરોને કામ આપવામાં આવશે, તેમ છતાં તેમનું પલાયન રોકી શકાયુ નથી. ખાનગી બસમાં પંજાબ જઈ રહેલા એક મજૂરે જણાવ્યુ કે અમે તો ગરીબ લોકો છે. ખાવા માટે કમાણી તો કરવી જ પડશે. એથી અમે બધા લોકો પાછા જઈ રહ્યા છીએ. મજૂરોને લઈને જતી એક બસના ચાલકે જણાવ્યું કે તેઓ શ્રમિકોને લેવા માટે જ ખાસ પંજાબથી આવ્યા છે. પંજાબમાં આ મજૂરો ખેતીવાડીનું કામ કરશે. અમે લોકો સહરસા વિસ્તારમાંથી પણ મજૂરોને લઈને જઈ રહ્યા છીએ.