પલ્લવ ચાર રસ્તા BRTS અકસ્માત: અશોક લેલેન્ડને ત્રણ લાખની પેનલ્ટી
જ્યારે ૧ જુલાઇના જયમંગલ અકસ્માતના મામલે તંત્ર પેનલ્ટી અંગે હજુ અવઢવમાં
અમદાવાદ, જુલાઇ મહિનાના પહેલા ૧૪ દિવસમાં બે ઘાતક અકસ્માતથી બીઆરટીએસ બસ સર્વિસ પેસેન્જરોમાં ફરી ચર્ચાસ્પદ બની છે. ગુજરાત કોંગ્રેસના એક અગ્રણીએ તો છેલ્લા પલ્લવ ચાર રસ્તા ખાતે એક એક્ટિવાચાલકે બસનાં તોતિંગ પૈડાં નીચે કચડાઇને જીવ ગુમાવતાં સમગ્ર બીઆરટીએસ સર્વિસને નિષ્ફળ જ નહીં, પરંતુ જીવલેણ ગણાવી હતી.
છેલ્લા પાંચ વર્ષમાં બીઆરટીએસ બસોએ ૮૦૦થી વધુ અકસ્માત સર્જીને ૩૦થી વધુ લોકોનો જીવ લીધો છે. ઉપરાંત આ સર્વિસથી અમદાવાદમાં ટ્રાફિકના ગંભીર પ્રશ્નો સર્જાયા છે તેવો ગંભીર આક્ષેપ કરતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન, પલ્લવ ચાર રસ્તા પાસેના અકસ્માતમાં સત્તાવાળાઓએ કોન્ટ્રાક્ટર અશોક લેલેન્ડને રૂ.ત્રણ લાખની પેનલ્ટી ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.
https://westerntimesnews.in/news/134085
ભાડજથી ઓઢવ જતી બીઆરટીએસના રૂટ નંબર-૨ના ડ્રાઇવર શંકર દયામાની નિષ્કાળજીથી પલ્લવ ચાર રસ્તા પાસે ગત તા.૧૪ જુલાઇએ એક્ટિવાચાલક ઝુલા રબારીનું બસની અડફેટે આવતા સ્થળ પર જ દર્દનાક રીતે મોત થયું હતું. સવારના ૬.૩૬ વાગ્યે થયેલા આ અક્સમાતમાં એક રીતે તંત્રે છાપા વિતરક અને એક્ટિવાચાલક ઝુલા રબારી પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. તે વખતે બસ ડ્રાઇવરે બેફામ રીતે બસ હંકારી હતી તેવો પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો,
પરંતુ સત્તાધીશોએ સીસીટીવી ફૂટેજ મુજબ અકસ્માત સમયે બસ પ્રતિકાલક ૩૪ કિ.મી.ની ગતિએ હતી તેવો દાવો કર્યો હતો, જાેકે આ દાવાની સચ્ચાઇ તપાસવા માટે જરૂરી સીસીટીવી ફૂટેજ તંત્રે મીડિયાને આપ્યા નહોતા એટલે બીઆરટીએસ બસના ડ્રાઇવર નિરંકુશ રીતે બસ હંકારે છે તેવી લોકચર્ચાને બળ મળ્યું છે.
દરમિયાન આ ઘાતક અકસ્માતના મામલે સત્તાધીશોએ બસના કોન્ટ્રાક્ટર અશોક લેલેન્ડને રૂ.ત્રણ લાખનો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ જે પ્રકારે બીઆરટીએસ બસ લોકો માટે યમદૂત બની રહી છે અને ફક્ત કોરિડોરમાં જ નહીં, પરંતુ ચાર રસ્તા પર પણ તીવ્ર ગતિથી હંકારાઇ રહી હોઇ લોકોના જાનમાલ માટે આફતરૂપ બની છે, તેને જાેમાં ઘાતક અકસ્માતના કેસમાં જવાબદાર કોન્ટ્રાક્ટરને ઓછામાં ઓછી રૂ.પાંચ લાખની પેનલ્ટી ફટકારવી જાેઇએ.
જાે આમ થશે તો કોન્ટ્રાક્ટર પોતે જ મોટી રકમની પેનલ્ટીથી બચવા તેમના ડ્રાઇવરનો ટ્રેનિંગ કેમ્પ યોજશે, ડ્રાઇવરોને જવાબદારીપૂર્વક બસ હંકારવાની તાકીદ કરશે, જે તે જાેખમી પુરવાર થયેલા ચાર રસ્તા પર તેમના કર્મચારી ઊભા રાખીને બસની બેફામ સ્પીડને અંકુશમાં લાવી શકશે તેવી પણ ચર્ચા ઊઠી છે.
આ દરમિયાન ગત તા.૧ જૂલાઇના જય મંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેના અકસ્માતમાં કોમલ વસાણી નામની યુવતીએ તેનો જીવ ગુમાવ્યો હતો, જાેકે આ કેસમાં યુવતી રેલિંગ કૂદીને આવતાં તે બસની ટક્કરમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી તેમ તંત્ર કહે છે. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ થયું હતું.
આ અકસ્માતમાં કોન્ટ્રાક્ટર ટ્રાવેલ ટાઇમની બસ હતી, જાે કે આ કોન્ટ્રાક્ટરને પેનલ્ટી ફટકારવી કે કેમ તેનો નિર્ણય હજુ લેવાયો નથી. બીઆરટીએસના ઉચ્ચ અધિકારી સમક્ષ આ અંગે નિર્ણય કરવા ફાઇલ મુકાઇ ગઇ છે.