પવનની દિશા બદલાતા ઠંડીનું જાેર ઘટી શકે છે
અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરથી ઉત્તર-પૂર્વીય તરફ પવનની દિશા બદલાતા આગામી દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ક્ષેત્રોમાં શીત શહેરની સ્થિતિ હળવી થઈ શકે છે. આ આગાહી ગુરુવારે ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. વર્ષના અંતિમ દિવસે શહેરજનોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. ગુરુવારે મહત્તમ તાપમાન ૨૪ ડિગ્રી સેલ્સિઅસ હતું, જે સામાન્ય કરતાં ૪ ડિગ્રી ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ૧૨.૪ ડિગ્રી સેલ્સિઅસ હતું,
જે સામાન્ય કરતાં ૦.૧ ડિગ્રી વધારે હતું. શહેર માટે કરવામાં આવેલી આગાહીમાં જણાવવામાં આવ્યું હતું કે, શુક્રવારે લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી સેલ્સિઅસની આસપાસ રહેવાની શક્યતા છે. ક્ષેત્રમાં આગામી ૨-૩ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે’, તેવો ઉલ્લેખ આઈએમડીની વેબસાઈટમાં કરવામાં આવ્યો છે.
આગાહીમાં તેમ પણ જણાવવામાં આવ્યું હતું કે, સાબરકાંઠા અને દાહોદમાં ૨ અને ૩ જાન્યુઆરીએ હળવો વરસાદ પડી શકે છે. ગુરુવારે જુનાગઢ અને કચ્છમાં શીત લહેરની સ્થિતિ જાેવા મળી હતી. ૫ ડિગ્રી લઘુત્તમ તાપમાનની સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુગાર રહ્યું. જે બાદ કેશોદમાં ૭.૬ ડિગ્રી, ડીસામાં ૮.૩ ડિગ્રી, રાજકોટમાં ૮.૮ ડિગ્રી અને કંડલામાં ૯.૪ ડિગ્રી ઠંડી પડી હતી.