પશુદાણ મામલે આત્મનિર્ભર બની પાલનપુરની બનાસ ડેરી
માત્ર ૧૦ મહિનામાં કાતરવા પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરવાની કામગીરી પૂર્ણઃ દૈનિક ૩૫,૦૦૦ બોરી પશુદાણ ઉત્પાદન કરશે
પાલનપુર, બનાસ ડેરીમાં દૂધ ભરાવતા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આનંદના સમાચાર છે કે હવે પશુપાલકોને પુરતા પ્રમાણમાં પશુદાણ મળી રહેશે. જિલ્લાના પશુપાલકોની સૌથી મોટી માંગ પશુધન માટે દાણની હોય છે. હવે પશુદાણ માટે એશિયાની સૌથી મોટી બનાસડેરી આત્મનિર્ભર બની છે. બનાસડેરી સંચાલિત કાતરવા પ્લાન્ટ તેમજ પાલનપુર પ્લાન્ટમાં હવે દૈનિક ૩૫,૦૦૦ બોરીનું દાણ ઉત્પાદન થતાં પશુપાલકોને પૂરતા પ્રમાણમાં દાણ મળી રહેશે.
બનાસડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી અને નિયામક મંડળના માર્ગદર્શન હેઠળ કાતરવા સ્થિત દાણ પ્લાન્ટની ક્ષમતામાં વધારવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. બનાસ ડેરીનો કાતરવા પ્લાન્ટ પહેલા દૈનિક ૧,૦૦૦ મેટ્રિક ટન પશુદાણનું ઉત્પાદન કરી શકતો હતો. જે હવે વિસ્તૃતીકરણ થતા દૈનિક ૧,૮૦૦ મેટ્રિક ટન પશુદાણ ઉત્પાદન કરશે. ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીને પશુપાલકો દાણ માટે વારંવાર રજૂઆત કરતા હતા. જિલ્લાના ગ્રામીણ સ્તરે પશુપાલકોની દાણની વધતી જતી માંગને પહોંચી વળવા બનાસડેરીના નિયામક મંડળ કાતરવા પ્લાન્ટની ક્ષમતા વધારાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરી પૂર્ણ થતા હવે બનાસ ડેરીનો પાલનપુર તેમજ કાતરવા પ્લાન્ટ મળી દૈનિક ૨,૪૦૦ મેટ્રિક ટન પશુ દાણ ઉત્પાદન કરી શકશે. એટલે કે જિલ્લામાં હવે દૈનિક ૩૫,૦૦૦ પશુદાણની બોરીનું ઉત્પાદન થઇ શકશે. જેના કારણે પશુપાલકો માટે હવે બહારથી દાણ લાવવાની જરૂર નહિ રહે.
કાતરવા ખાતે વિસ્તૃતીકરણ બાદ પ્લાન્ટની ક્ષમતા ૧,૦૦૦ મેટ્રિક ટનમાંથી ૧,૮૦૦ મેટ્રિક ટન થઇ ગઈ છે અને તે પણ રેકોર્ડબ્રેક ૧૦ મહિનાના ટૂંકા સમયગાળામાં. જો આ પ્રકારનો નવો પ્લાન્ટ બનાવવામાં આવે તો તેની પાછળ આશરે ૨૦૦ કરોડ જેટલો ખર્ચ થાય. જ્યારે પ્લાન્ટ બનતા અંદાજીત ૨ થી ૩ વર્ષનો સમય લાગે. પરંતુ બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીના કુશળ નેતૃત્વ અને દીર્ઘદ્રષ્ટિના કારણે કાતરવાના ચાલુ પ્લાન્ટમાં જ અપગ્રેડેશન પ્લાન્ટનું કામકાજ એક પણ દિવસ બંધ રાખ્યા વગર કરવામાં આવ્યું છે. જેના કારણે પશુપાલકોને અન્ય ડેરી ઉદ્યોગો પર દાણની આશા રાખવી પડતી હતી તે સંપૂર્ણપણે બંધ થશે. હવે બનાસ ડેરી જિલ્લાના તમામ પશુપાલકોને તેમની માંગણી અનુસાર દાણ આપી શકશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જયારે “ આત્મનિર્ભર અભિયાન” હાથ ધરવામાં આવ્યું છે ત્યારે બનાસ ડેરીએ આ અભિયાનને સાર્થક કર્યું છે. આજે બનાસ ડેરી દાણ મામલે આત્મનિર્ભર બનતાં જિલ્લાના પશુપાલકોના પ્રાણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે અને ઉત્તમ ગુણવત્તાવાળું દાણ ઘર આંગણે મળતાં જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઇ છે.