પશુપાલનની વિવિધ સહાયલક્ષી યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકારાવાનું શરૂ કરાયું

પ્રતિકાત્મક
રાજયમાં અને અમદાવાદ જીલ્લામાં પશુપાલન વ્યવસાય એક સ્વતંત્ર વ્યવસાય તરીકે વિકસિત થઇ રહ્યો છે અને રાજય સરકારા દ્વારા આ વ્યવસાયના વિકાસમાં વધુ ગતિ લાવવા સતત ઘનિષ્ટ પ્રયાસો થઇ રહ્યા છે. આ માટે પશુપાલન ખાતાની વિવિધ સહાય યોજનાઓ (ચાફકટરની ખરીદી પર સહાય ,
કેટલ શેડ બાંધકામ સહાય ,વ્યાજ સહાય, કૃત્રિમ બીજદાનથી શુદ્ધ ઓલાદની વાછરડીના જન્મ પર સહાય, બકરા એકમ(૧૦ બકરી + ૧ બકરો)ની સ્થાપના માટે સહાય, ગાભણ પશુ માટે ખાણદાણ સહાય,૧૨ દુધાળા પશુ એકમની સ્થાપના માટે સહાય, દુધ ઉત્પાદક મંડળીઓ માટે દુધઘર અને ગોડાઉન બાંધકામ માટે સહાય વગેરે) અમલમાં છે દર વર્ષે સારી એવી સંખ્યામાં આ માટે ઓનલાઇન અરજીઓ કરવામાં આવતી હોય છે.
ચાલુ વર્ષે આ માટે અરજી કરવા આઇ-ખેડુત પોર્ટલ તા.૧/૬/૨૦૨૧ થી તા. ૦૧/૦૭/૨૦૨૧ સુધી ખુલ્લુ રહેશે, જે દરમ્યાન આ યોજનાઓ પૈકી પોતાને અનુકુળ એવી કોઇ પણ યોજનાનો લાભ લેવા ઇચ્છુક પશુપાલકે આઇ-ખેડુત પોર્ટલ અરજી કરવાની રહેશે.
પશુપાલન ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે પશુપાલકે આઇ-ખેડુત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) પર ઓન-લાઇન અરજી કરવી ફરજીયાત છે. રાજ્ય/જીલ્લાનાં કુલ લક્ષ્યાંક કરતા નિયત સમયમર્યાદામાં ઓછી અરજીઓ પ્રાપ્ત થયેલ હશે તો તેવી યોજના/યોજનાઓ પુરતું પોર્ટલ અરજીઓ સ્વિકારવા માટે વધુ સમય ખુલ્લું રાખવામાં આવશે. જેની માહિતી આઇ-ખેડુત પોર્ટલ પર પ્રદર્શિત કરવામાં આવશે.
લક્ષ્યાંકથી વધુ અરજીઓ થાય તેવા સંજોગોમાં દરેક ઘટક માટે લાયક ઠરતી હોય તેવી મળેલ તમામ અરજીઓનો આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રૉ કરી લાભાર્થી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.
પશુપાલકે ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રિંટ આઉટ લઇ, તેમાં નિયત જગ્યાએ પોતાની સહી કે અંગુઠાનું નિશાન કરી, માંગવામાં આવેલ દસ્તાવેજોની પ્રમાણિત નકલો સહિતની પોતાની અરજી નજીકનાં પશુ દવાખાનાએ પહોંચતી કરવાની રહેશે.
કોઇ પણ પશુપાલક પોતે ઇચ્છે તેવી એક કે વધારે યોજનાઓમાં આ સમયમર્યાદામાં અરજી કરી શકે છે. આ માટે માર્ગદર્શનની જરૂર પડે તો નજીકનાં પશુ દવાખાના/પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર કે ઉપકેન્દ્રનો સંપર્ક કરી પશુપાલન ખાતાની સહાય યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે અમદાવાદનાં સર્વે પશુપાલકોને નાયબ પશુપાલન નિયામક ડૉ.એસ.બી.ઉપાધ્યાય, જિલ્લા પંચાયત, અમદાવાદ દ્વારા અનુરોધ કરાયો છે.