Western Times News

Gujarati News

પશ્ચિમ અમદાવાદમાં કોરોના કહેર અંકુશમાં આવી રહ્યો નથી

કોરોનાના નવા ૧૨૧ કેસ નોંધાયા 

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે પણ અમદાવાદમાં તેની અસર ઘટી રહી છે. અમદાવાદના શહેરના તમામ વિસ્તારોમાં કેસ મળી રહ્યા છે પરંતુ પશ્ચિમ ભાગમાં આ મહામારી અકુંશમાં આવવાનું નામ લઈ રહી નથી. શુક્રવારે સાંજે અમદાવાદમાં નોંધાયેલા ૨૦૫ કેસમાંથી, પશ્ચિમ ભાગમાં ૧૨૧ કેસ એટલે કે કુલના ૫૯% કેસ નોંધાયા છે.

આમ અમદાવાદનો પશ્ચિમ ભાગ કોવિડ ઈન્ફેક્શનનું મુખ્ય સ્થળ તરીકે અગ્રેસર રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકડાઉન હળવું થતાં શહેરના પશ્ચિમ ભાગમાં કેસો નોંધાઈ રહ્યા છે. શુક્રવારે પશ્ચિમ ઝોનમાં ૧૨૧ કેસ અને ૭ લોકોના મોત નોંધાયા છે. જેમાં ૬૨ કેસ અને ૪ મૃત્યુ પશ્ચિમ ઝોનમાં થયા છે, જેમાં સરદાર પટેલ સ્ટેડિયમ, નારણપુરા, નવરંગપુરા, રાણિપ, પાલડી અને વાસણાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૩૮ કેસ અને એક મોત ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ, બોડકદેવ, ઘાટલોડિયા અને ગોતામાંથી સામે આવ્યા છે.

તેમજ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોનાના નવા ૨૧ કેસ અને ૩ લોકોના મોત થયા છે, જેમાં જાધપુર, વેજલપુર, મકતમપુરા અને સરખેજ સામેલ છે. એટલું જ નહીં, ગુરૂવારે શહેરમાં નોંધાયેલા ૨૦૫માંથી ૧૦૬ કેસ પશ્ચિમ ભાગમાં નોંધાયા હતા. નવા નોંધાયેલા ૧૦૬ કેસમાંથી, વેસ્ટ ઝોનમાં ૪૮ કેસ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૨૭ કેસ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૩૧ કેસ સામે આવ્યા હતા. શુક્રવાર સુધી છેલ્લા ૪૮ કલાકમાં શહેરમાં ૧૯ લોકોનાં મોત નીપજ્યાં છે તેમાંથી પાંચ મોત પશ્ચિમ ભાગમાં નોંધાયા છે. શનિવાર સવાર સુધીના આંકડા મુજબ શહેરમાં કુલ ૨,૯૩૩ સક્રિય કેસ છે,

જેમાંથી ૧,૪૧૦ પશ્ચિમ ભાગના છે. આ ૧,૪૧૦ કેસમાંથી, પશ્ચિમ ઝોનના ૫૯૬ કેસ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૪૫૩ કેસ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના ૪૦૨ કેસ છે. અન્ય ઝોનની વાત કરીએ તો મધ્યઝોનમાં ૨૦૮ કેસ, ઉત્તર ઝોનમાં ૪૫૩ કેસ, પૂર્વ ઝોનમાં ૩૯૭ કેસ અને દક્ષિણ ઝોનમાં કોરોનાના ૪૬૫ એક્ટિવ કેસ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.