પશ્ચિમ અમદાવાદમાં હવે કોરોના ટેસ્ટિંગ માટે ધસારો
અમદાવાદ: શહેરમાં ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં લોકોમાં કોરોનાને લઈને એક ભયની લાગણી પ્રસરી રહી છે જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં મહાનગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલ ટેસ્ટિંગ ડોમમાં લોકોનો ધસારો વધી રહ્યો છે. જેના કારણે ઘણે ઠેકાણે રેપિડ એન્ટિજેન ટેસ્ટ કીટ ખૂટી પડી હોવાના બનાવ સામે આવ્યા છે. તો બીજી તરફ લોકો કોરોના ટેસ્ટ માટે વધુ આગળ આવતા હોવાના કારણે શહેરમાં ટેસ્ટિંગ રેશિયો ખાસ્સો વધી ગયો છે જેના પરિણામે શહેરમાં દિવાળી પહેલાના સમયની અપેક્ષાએ પોઝિટિવિટી રેટ લગભગ ડબલ જેવો થઈ ગયો છે.
કોર્પોરેશનના આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ જુદા જુદા વિસ્તારમાં ટેસ્ટિંગ બુથમાં ટીમને એક દિવસની ૭૫-૧૦૦ જેટલી કીટ આપવામાં આવે છે. પરંતુ દિવાળી બાદથી જ ટેસ્ટિંગ માટે આવતા લોકોની સંખ્યા વધી ગઈ છે. અધિકારીઓએ કહ્યું કે ઇ્-ઁઝ્રઇ ટેસ્ટ કરાવવામાં પણ લોકોની સંખ્યામાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે. ઘણા આવા ટેસ્ટિંગ બૂથ પર રહેલા સ્ટાફ પાસે કીટ ખૂટી પડી ત્યારે તેમણે નવી વધુ કીટ મંગાવવાની જગ્યાએ તે દિવસ પૂરતા ટેસ્ટિંગ કરવાનું બંધ કરી દીધાનું જોવા મળ્યું છે.
અધિકારીના જણાવ્યા મુજબ ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તાર જેવા કે પ્રલ્હાદનગર, વસ્ત્રાપુર, મેમનગર, થલતેજ, ગોતા, ઘાટલોડિયા, બોપલ અને પાલડીમાં લોકો ખૂબ જ વધારે સંખ્યામાં ટેસ્ટ કરાવવા માટે આવી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે આ એવા વિસ્તારો છે જ્યાં હાલ થોડા સમયમાં ઘણા બધા કેસ જોવા મળ્યા છે. આરટી-પીસીઆર ટેસ્ટનો પોઝિટિવિટી રેટ દિવાળી પહેલા ૩ ટકા જેટલો હતો જે હવે વધીને ૬ ટકા જેટલો થઈ ગયો છે. જ્યારે રેપિડ એન્ટિજેન ટેસ્ટનો પોઝિટિવિટી રેટ હાલ ૧૦ ટકા જેટલો થઈ ગયો છે
જે પહેલા ૩-૫ ટકા જેટલો હતો. અધિકારીએ વધુ આગળ કહ્યું કે મોટાભાગ કોરોના પોઝિટિવ લોકો એસિમ્પ્ટોમેટિક જોવા મળ્યા છે જેથી તેમને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જોકે અધિકારીના સ્વિકાર કર્યા મુજબ આવા દર્દીઓને સારવાર લેવામાં કેટલીક તકલીફ પડે છે કારણ કે તેમના અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઝોનલ અધિકારીઓ વચ્ચે પૂરતું સંકલનના અભાવે આ સ્થિતિ જોવા મળે છે. આ અધિકારીએ જણાવ્યું કે પ્રાઇવેટ લેબ દ્વારા જે રિપોર્ટ કોર્પોરેશનને આપવામાં આવે છે તેને તાત્કાલિક ધોરણે ઝોનલ ઓફિસ મોકલી આપવામાં આવે છે જોકે અમને ધ્યાને આવ્યું છે કે કેટલાક કિસ્સામાં આવા લિસ્ટને નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે.