Western Times News

Gujarati News

અમદાવાદના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ કોરોનાના એક્ટીવ કેસ

Files Photo

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક-૧ અને અનલોક-ર દરમ્યાનમાં અપાયેલી છૂટછાટના પગલે કોરોનાના કેસોની સંખ્યામા સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી સતત આઠસોથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં અમદાવાદમાં જ હવે સુરતની પરિસ્થિતિ ખુબ જ વિકટ બનવા લાગી છે.જ્યારે અમદાવાદમાં નાટકીય રીતે કોરોનાના કેસોમાં ઘટાડો બતાવવામાં આવી રહ્યો છે. અનલોક દરમ્યાન નાગરીકો ખૂલ્લેઆમ રસ્તાઓ ઉપર જાેવા મળવા લાગ્યા છે. દુકાનો અને બજારો પુનઃ શરૂ થઈ જતાં બજારમાં ધરાકી જાેવા મળી રહી છે. પરંતુ આ પરિસ્થિતિમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનવાની સંપૂર્ણ દહેશત સેવાઈ રહી છે. અને આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં સૌ પ્રથમ મધ્ય ઝોનમાં કેસોની સંખ્યા સૌથી વધુ હતી.

પરંતુ આજે અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે એક્ટીવ કેસ છે અને હાલ તમામ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જ્યારે મધ્ય ઝોનમાં એક્ટીવ કેસની સંખ્યામાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એકવખત સર્વે કામગીરી શરૂ કરવામાં આવે તો પરિસ્થિતિ બદલાઈ શકે એમ છે. કોર્પોરેશન દ્વારા હાલ શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જાે કે તેના આંકડાઓ હજુ જાહેર કરાતા નથી.

દેશમાં ફેલાયેલા કોરોનાના વાયરસને કારણે કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યા બાદ તેમાં છૂટછાટો આપવાની સત્તા રાજ્ય સરકારોને આપી છે જેના પગલે ગુજરાતમાં રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ છૂટછાટો આપી છે. સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર પછી ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા હતા. તેમ છતાં છૂટછાટો આપવાના નિર્ણયથી નાગરીકોમાં પણ ચર્ચા થવા લાગી હતી.

વેપારી મહાજનોએ દુકાનો અને બજારો ખોલવાની રજુઆત કરતાં રાજ્ય સરકારે લગભગ તમામ બજારો અને દુકાનો ખોલવાની મંજુરી આપી દીધી છે. તેના પગલે આજે ગુજરાતમાં ઔદ્યોગિક એકમો ધમધમતા થઈ ગયા છે. ગુજરાતમાં અમદાવાદ શહેર કોરોનાનું મૂખ્ય હોટસ્પોટ બની ગયુ હતુ. અમદાવાદ શહેરમાં ખાસ કરીને મધ્ય અને અન્ય ઝોનમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે નોંધાયા હતા. જાે કે ત્યારબાદ આ વિસ્તારોને ક્‌વોરોન્ટાઈન કરીને અસરકારક કામગીરી કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધવા લાગતા કેન્દ્રીય ટીમો અમદાવાદની મુલાકાતે આવી હતી. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશને પણ તેની કામગીરીમાં બદલાવ કર્યો હતો. અગાઉ ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી હતી તે બંધ કરી દેવામાં આવી હતી. જેના પગલે કેસોની સંખ્યામાં પણ ક્રમશઃ ઘટાડો જાેવા મળી રહ્યો હતો. જ્યારે બીજી બાજુ રાજ્યના સુરત શહેરમાં અનલોક દરમ્યાન અપાયેલી છૂટછાટોને પરિણામે પરિસ્થિતિ ખુબ જ વિકટ બની ગઈ હતી. તેના પરિણામે આજે સુરત શહેરમાં નાગરીકો ઘરની બહાર નીકળતા ડરવા લાગ્યા છે.

સુરત આજે ગુજરાતનું એપી સેન્ટર બની ગયુ છે જ્યારે અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ ખુબ જ સુધરી ગઈ હોય એવા દાવા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસો ઘટ્યા હોય એવું ચિત્ર ઉપસાવવામાં આવ્યુ છે. પરંતુ સમગ્ર રાજ્યમાં સૌથી વધારે પોઝીટીવ કેસ અમદાવાદમાં જ છે. જે અમદાવાદ શહેરની સ્થિતિનો ચિતાર આપે છે.

અમદાવાદ શહેરમાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા ૩૧પપ છે આ આંકડા કોર્પોરેશનના છે જ્યારે ખાનગીમાં અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અમદાવાદ શહેરના કુલ એક્ટીવ કેસો પૈકી સૌથી વધુ પ૮૭ દર્દીઓ પશ્ચિમ ઝોનમાં સારવાર લઈ રહ્યા છે. આ સિવાય ઉત્તર ઝોનમાં પ૦ર, દક્ષિણ ઝોનમાં ૪૬પ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૪૩૩, પૂર્વ ઝોનમાં ૪૭૪ અને મધ્ય ઝોનમાં રપપ દર્દીઓ સારવાર હેઠળ છે.

આંકડાઓ જાેઈએ તો અમદાવાદ શહેરમાં અગાઉ સૌથી વધારે જે વોર્ડમાં કેસો નોંધાયા હતા એ મધ્ય ઝોનમાં આજે માત્ર ર૭પ દર્દીઓ જ સારવાર હેઠળ છે જ્યારે પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં અચાનક જ કોરોનાના કેસો અચાનક જ ઘટવા લાગતા રાજ્ય સરકાર પણ સતર્ક બની ગઈ છે. અને તેનું કારણ જાણવા માટે જુદા જુદા વિભાગોને સુચના આપી છે. જાે કે કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉઠવા લાગતા ફરી એક વખત કોર્પોરેશન દ્વારા કેટલાક વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને તેના રીપોર્ટ આવ્યા બાદ હવે અમદાવાદની સ્થિતિનો સાચો ચિતાર બહાર આવશે.

અનલોક દરમ્યાન શહેરના પશ્ચિમ ઝોનમાં પરિસ્થિતિ વધુને વધુ વિકટ બનવા લાગી છે. જેના પરિણામે આજે પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ એક્ટીવ કેસો નોંધાયા છે. અમદાવાદનું મધ્ય ઝોન સૌથી વધારે પ્રભાવિત હતુ પરંતુ ત્યાં એક્ટીવ કેસોની સંખ્યા ઘટી ગઈ છે. શહેરની સિવિલ હોસ્પીટલમાંથી રપ૮૦ દર્દીઓ સ્વસ્થ થયા છે અને તેઓને રજા પણ આપી દેવામાં આવી છે. જ્યારે એસવીપી હોસ્પીટલમાંથી રપપ૧ દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ખાનગી હોસ્પીટલોમાંથી ૩૮પ૩ દર્દીઓ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.